ન્યૂઝીલેન્ડનો ઓપનર માર્ટિન ગુપ્ટિલ હવે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. માર્ટિન ગુપ્ટિલે બુધવારે એડિનબર્ગમાં સ્કોટલેન્ડ સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 40 રનની ઈનિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. ગુપ્ટિલે આ મામલે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.
માર્ટિન ગુપ્ટિલના હવે 116 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 32.37ની સરેરાશથી 3399 રન છે. આ દરમિયાન ગુપ્ટિલે બે સદી અને 20 અડધી સદી ફટકારી છે. બીજી તરફ જો રોહિત શર્માની વાત કરીએ, જે હવે લિસ્ટમાં બીજા નંબર પર છે, તેણે 128 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 32.18ની એવરેજથી 3379 રન તેના નામે નોંધાયા છે. રોહિત શર્માએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં ચાર સદી અને 26 અડધી સદી ફટકારી છે.
ત્રીજા નંબર પર વિરાટ કોહલી
આ યાદીમાં ત્રીજો નંબર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 99 મેચોમાં 50.12ની એવરેજથી 3308 રન બનાવ્યા છે, જેમાં ત્રીસ અડધી સદી સામેલ છે. કોહલીને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો. આયરલેન્ડનો પોલ સ્ટર્લિંગ 2894 રન સાથે ચોથા ક્રમે છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન એરોન ફિન્ચ 2855 રન સાથે પાંચમા ક્રમે છે.
T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન:
માર્ટિન ગુપ્ટિલ - 116 મેચ, 3399 રન
રોહિત શર્મા - 128 મેચ, 3379 રન
વિરાટ કોહલી - 99 મેચ, 3308 રન
ન્યુઝીલેન્ડ 68 રને જીત્યું
ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કીવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 225 રન બનાવ્યા હતા. ઓપનર ફિન એલને 56 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. જ્યારે માર્ટિન ગુપ્ટિલે 40 અને જીમી નીશમે અણનમ 30 રનનું યોગદાન આપ્યું હતું.
જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 157 રન જ બનાવી શકી હતી અને તેનો 68 રનથી પરાજય થયો હતો. સ્કોટલેન્ડ તરફથી કૈલમ મેકલિયોડે 33 અને ક્રિસ ગ્રીવ્સે 31 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ઈશ સોઢીને ચાર અને મિશેલ સેન્ટનરને બે સફળતા મળી હતી.