નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. સંજીવ ચાવલા 2000ના મેચ ફિક્સિંગ કાંડમાં પ્રાથમિક આરોપીઓમાંનો એક છે જેમાં સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએ પણ સામેલ હતા. ક્રોનિએનું 2002માં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું.


આ અગાઉ પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસની કસ્ટડી માંગી હતી. પોલીસે કોર્ટને કહ્યું કે, ગુરુવારે લંડનથી પ્રત્યાર્પિત કરવામાં આવેલા ચાવલાને ફિક્સિંગની જાણકારી મેળવવા માટે વિવિધ સ્થળો પર લઇ જવામાં આવશે અને અનેક લોકો સામે તેની પૂછપરછ કરવામાં આવશે. પોલીસે કોર્ટને જણાવ્યું કે, ક્રોનિએ પણ તેમાં સામેલ હતા.


પોલીસે કોર્ટમાં કહ્યું કે, ચાવલા પાંચ મેચોની ફિક્સિંગમાં સામેલ છે. ચાવલા પર ફેબ્રુઆરી-માર્ચ 2000માં સાઉથ આફ્રિકાની ટીમના ભારત પ્રવાસ પર મેચ ફિક્સિંગ માટે ક્રોનિએ સાથે મળીને કાવતરું રચવાનો આરોપ છે.

વર્ષ 2000માં 16 ફેબ્રુઆરી અને 20 માર્ચના રોજ રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકાની મેચ ફિક્સ કરવા માટે દિલ્હી પોલીસે સાઉથ આફ્રિકાના કેપ્ટન રહી ચૂકેલા હેન્સી ક્રોનિએ અને પાંચ અન્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આફ્રિકન ખેલાડી હર્ષલ ગિબ્સ અને નિકી બોએના ફિક્સિંગ સાથે જોડાયા હોવાના પુરતા પુરાવા ન મળવા પર તેમનું નામ ચાર્જશીટમાંથી હટાવવામાં આવ્યું હતું.