નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી-20 વર્લ્ડકપ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે અને તેને શરૂ થવામાં છ મહિનાથી વધારેનો સમય બાકી છે ત્યારે ઇગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન માઇકલ વૉને કહ્યું કે, આખી દુનિયામાં ફેલાઇ ચૂકેલા કોરોના વાયરસના કારણે આ વર્લ્ડકપ ખતરામાં પડી શકે છે. આપણે બે સપ્તાહ સુધી વિચારી રહ્યા હતા કે આ ફક્ત એક ખતરનાક ફ્લૂ છે.

મીડિયા સાથેની વાતચીતમાં માઇકલ વૉને કહ્યું કે, અત્યાર સુધી સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આપણે રમતની વાત કરીએ છીએ ત્યારે સૌથી જરૂરી વાત એ છે જે હાલમાં સમગ્ર દુનિયાના લોકો સાથે બની રહી છે. રમત આ બધી ચીજો બાદ બીજા નંબર પર આવે છે. તમે આશા રાખી શકો છો કે ટી-20 વર્લ્ડકપ શરૂ થાય તે અગાઉ બધુ ઠીક થઇ જાય. પરંતુ તે સમયે કેવી પરિસ્થિતિઓ રહેશે તેનો અંદાજ કોઇ લગાવી શકતું નથી.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા પાંચ લાખથી વધી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે 22 હજાર લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 1.21 લાખ કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.