નવી દિલ્હીઃ વિરાટ કોહલી માટે અત્યારે તમામ વસ્તુઓ ખરાબ થઇ રહી છે. કેપ્ટનશીપ અને હવે તેને વિદેશી ક્રિકેટરો દ્વારા ટીકા-ટિપ્પણીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરાટને કેપ્ટન તરીકે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી કેપટાઉન ટેસ્ટમાં હાર મળ્યા બાદ તેને રાજીનામુ આપી દીધુ, હવે તેની સામે ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર માઇકલ વૉને બાંયો ચઢાવી છે. માઇકલને આઇસીસીને સીધે સીધુ કહી દીધુ છે કે, વિરાટ કોહલીને ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દો. જાણો શું છે ઘટના.....



વિરાટે બતાવ્યો ગુસ્સો



ખરેખરમાં, કેપટાઉનમાં રમાયેલી ફાઇનલ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવી શ્રેણી જીતી લીધી હતી. આ ટેસ્ટ મેચમાં મેદાન પર ઘણી હંગામો થયો હતો. જેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર ડીઆરએસમાં નોટઆઉટ રહેતા સૌથી મોટો વિવાદ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી સહિત સમગ્ર ભારતીય ટીમે આ નિર્ણય પર ગુસ્સો ઠાલવ્યો અને મેદાન પર જ ઉગ્ર વિવાદ સર્જાયો. આ વિવાદે એટલે સુધી પહોંચી ગયો કે દિગ્ગજો પણ વિરાટ સામે ઉભા થઇ ગયા હતા. આ લિસ્ટમાં માઇકલ વૉન અને પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીર સામેલ છે.
કેપટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે હાર થતાં જ ભારતનું સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

માઇકલ વૉને શું કહ્યું



ફોક્સ ક્રિકેટ સાથે વાત કરતા માઇકલ વૉને કહ્યું કે આઈસીસી એ આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ કારણ કે તમે મેદાન પર આવું વર્તન ના કરી શકો પછી ભલે તમે નિરાશ હોવ કે ના હોવ. અલબત્ત મેદાન પર એવી ક્ષણો આવે છે જ્યારે તમને લાગે છે કે વસ્તુઓ તમારી વિરુદ્ધ જઈ રહી છે. પરંતુ જો તમે કેપ્ટન તરીકે આવું વર્તન કરશો તો ICCએ દરમિયાનગીરી કરવી પડશે. આ સિવાય વોને કહ્યું કે વિરાટને સસ્પેન્ડ અને દંડ કરવામાં આવે તે પણ જરૂરી છે.




સીરીઝમાં હાર મળી



ટીમ ઈન્ડિયાએ સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ 113 રને જીતીને કમાલ કરી હતી પરંતુ જોહાનિસબર્ગ અને કેપટાઉનમાં બંને ટેસ્ટ હારી ગઈ હતી અને શ્રેણીમાં 1-2થી હારી ગઈ હતી. ભારત આજ સુધી આ ધરતી પર એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી.