નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ સતત રદ્દ થવાનું યથાવત છે. કોવિડ 19ને જોતા અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઈઝે માઇનર લીગ ક્રિકેટની પ્રથમ સીઝનને અટકાવી દીધી છે. ટૂર્નામેન્ટની શરૂઆત આ મહિને થવાની હતી. રિપોર્ટ્સ અનુસાર એમએલસીની પ્રથમ સીઝન હવે આગામી વર્ષે રમાશે. આ પહેલા કોવિડ-19ને કારણે 20-20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ પણ રદ્દ થઈ ગઈ છે.


જોકે ટૂર્નામેન્ટના આયોજકે આ વર્ષે પણ કેટલીક મેચનું આયોજન કરવા માગે છે. 5 સપ્ટેમ્બર બાદ ટૂર્નામેન્ટની ટીમોની વચ્ચે કેટલીક મેચ જોવા મળી શકે છે. મેચ કેવી રીતે થશે અને તેનું આયોજન ક્યાં થશે તેના પર સ્થિતિ સ્પષ્ટ નથી. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં મેચોના ફોર્મેટ વિશે તમામ જાણકારી સામે આવી શકે છે.

ક્રિકબઝના અહેવાલ અનુસાર અમેરિકા ક્રિકેટ એન્ટરપ્રાઈઝ ડ્રાફ્ટમાં જે પ્લેયર છે તેમની સાથે જ આગળ વધીને ટીમ બનાવી શકે છે. તેના માટે અંદાજે 2000 ખેલાડીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એસીએફે પ્રથમ 24 ટીમ બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવાય છે કે, જે ખેલાડીઓની પસંદગી હવે થશે તેને ટીમ આગામી સીઝન માટે પણ પોતાની સાથે જાળવી શકશે. જો આમ થાય તો ખેલાડીઓ પોતાની ટીમની સાથે તૈયાર માટે સારી તક મળશે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટીમના માલિક આગામી સપ્તાહે પોતાના નિર્ણયની જાણકારી આપશે. સમગ્ર અમેરિકામાં તમામ 24 ટીમો માટે અત્યાર સુધી ઘણી વધારે એપ્લિકેશન સામે આવી છે.