Major League Cricket 2023: અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ (MLC)ની પ્રથમ સીઝનની છેલ્લી લીગ મેચમાં હેનરિક ક્લાસેને તોફાની સદી ફટકારી હતી. આઇપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમનો ભાગ હેનરિક ક્લાસેન MLCમાં સિએટલ ઓર્કાસ ટીમ તરફથી રમી રહ્યો છે. MI ન્યૂયોર્ક સામેની મેચમાં ક્લાસને 44 બોલમાં 110 રનની તોફાની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 9 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી હતી. સિએટલ ઓર્કાસે આ મેચ 2 વિકેટથી જીતી લીધી હતી.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા MI ન્યૂયોર્કે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. MIની ઇનિંગ્સમાં નિકોલસ પૂરને 68 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન કિરોન પોલાર્ડે પણ 34 રનની ઇનિંગ રમી હતી. સિએટલ તરફથી ઈમાદ વસીમ અને હરમીત સિંહે 2-2 જ્યારે ગેનન અને એન્ડ્રુ ટ્રાયે 1-1 વિકેટ લીધી હતી.
195 રનના ટાર્ગેટનો પીછો કરતા સિએટલ ઓર્કાસે 37ના સ્કોર પર પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નૌમાન અનવર અને ક્લાસને ઇનિંગ્સને સંભાળી અને સ્કોર 100ની નજીક પહોંચાડ્યો હતો. અનવર 51 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. ઇનિંગની 16મી ઓવરમાં ક્લાસને રાશિદ ખાન સામે 3 સિક્સ અને 1 ફોર ફટકારીને કુલ 26 રન બનાવ્યા હતા. ક્લાસેનની 110 રનની અણનમ ઇનિંગના આધારે આ લક્ષ્યાંક 19.2 ઓવરમાં 8 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
સિએટલ હવે પ્લેઓફમાં ટેક્સાસ સુપર કિંગ્સ સામે ટકરાશે
મેજર લીગ ક્રિકેટમાં લીગ મેચ ખતમ થયા બાદ હવે 27મી જુલાઈથી પ્લેઓફ મેચ શરૂ થશે. જેમાં ક્વોલિફાયર-1માં સિએટલ ઓર્કાસની ટક્કર ટેક્સાસ સુપર કિંગ્સ સાથે થશે. આ જ એલિમિનેટર મેચમાં વોશિંગ્ટન ફ્રીડમનો મુકાબલો MI ન્યૂયોર્ક સામે થશે. આ સિવાય બીજી ક્વોલિફાયર મેચ 28 જુલાઈએ રમાશે જ્યારે ટાઈટલ મેચ 30 જૂલાઈએ રમાશે.