Mohammad Amir: રિટાયરમેન્ટ લીધા બાદ મેદાન પર પરત ચુકેલો પાકિસ્તાની બોલર મોહમ્મદ આમિર (Mohammad Amir) હાલ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે અને હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આમિરનું એક ટ્વીટ એશિયા કપ 2022 માટે પાકિસ્તાનની ટીમમાંથી શાહીન અફ્રીદી (Shaheen Afridi) બહાર થયા બાદ આવ્યું છે. આમિરના આ ટ્વીટ પરથી એવું લાગી રહ્યું છે કે, તે ટીમ સિલેક્ટ્રસને કહી રહ્યો છે કે, અફ્રીદીની ગેરહાજરીમાં તે પાકિસ્તાનની ટીમ (Pakistan Team) માટે ઉપલબ્ધ છે.


હું ટ્વિટર પર ટ્રેંડ થઈ રહ્યો છું પણ કેમ?


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવારે સાંજે શાહીન અફ્રીદી એશિયા કપ 2022માંથી બહાર થયો હોવાની જાણકારી આપી હતી. ડાબા હાથના આ ફાસ્ટ બોલરનું બહાર થવું પાક ટીમ માટે મોટો ઝટકો છે. અફ્રીદી ટીમમાંથી બહાર થતાં પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સે સોશિયલ મીડિયા પર મોહમ્મદ આમિરને યાદ કર્યો હતો. મોહમ્મદ આમિર પણ ડાબા હાથનો ફાસ્ટ બોલર છે અને ભારત સામે મેચ વિનિંગ બોલિંગ કરી ચુક્યો છે. જ્યારે આમિરે જોયું કે, પાકિસ્તાનના ફેન્સ તેને યાદ કરી રહ્યા છે તો તેણે પણ આ કહાનીને આગળ વધારતાં ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે, હું ટ્વિટર પર ટ્રેંડ થઈ રહ્યો છું પણ કેમ?


અહીં તમને જણાવી દઈએ કે, મોહમ્મદ આમિર એક સમયે પાકિસ્તાનનો લીડ બોલર હતો. ફિક્સિંગ મામલે નામ આવ્યા બાદ તેનું કરિયર બર્બાદ થઈ ગયું હતું. વર્ષ 2020માં મોહમ્મદ આમિરે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન પણ કર્યું હતું. જો કે, ગયા વર્ષે જૂનમાં તેણે રિયાટરમેન્ટનો નિર્ણય પરત ખેંચ્યો હતો અને મેદાન પર વાપસી કરી હતી.


શાહીન આફ્રિદી શ્રીલંકા સામેની મેચમાં થયો હતો ઈજાગ્રસ્તઃ


શાહીન આફ્રિદી ગાલેમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેના જમણા ઘૂંટણના લિગામેન્ટમાં ઈજા થઈ હતી. તે આ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, પરંતુ આ ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગશે અને તેના કારણે તે દોઢ મહિના સુધી ક્રિકેટની દુનિયાથી દૂર રહેશે. જેથી તે UAEમાં યોજાનાર એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાનની ટીમ માટે આ એક મોટો આંચકો છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે રાહતનો સમાચાર છે. કારણ કે શાહીન આફ્રિદીએ ગયા વર્ષે દુબઈના મેદાનમાં ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓને પરેશાન કર્યા હતા.


આ અંગે માહિતી આપતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે નવા સ્કેન રિપોર્ટ બાદ શાહીન શાહ આફ્રિદીને PCB મેડિકલ એડવાઈઝરી કમિટી અને સ્વતંત્ર નિષ્ણાતોએ 4-6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. હાલ શાહીનને ACC T20 એશિયા કપ અને ઇંગ્લેન્ડ સામેની ઘરેલું શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે, પરંતુ તે ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ T20I ત્રિકોણીય શ્રેણી સાથે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરી શકે છે.