Legends League Cricket, IM vs WG: ઈન્ડિયા મહારાજા અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચેની લિજેન્ડ્સ લીગ ક્રિકેટની એક મેચ દરમિયાન, કૈફને બોલિંગ કરવાની તક મળી હતી. કૈફને બોલિંગની તક એટલા માટે મળી હતી કારણ કે, ફાસ્ટ બોલર અશોક ડિંડા ઈજાને કારણે ઓવરના બાકીના ચાર બોલ ફેંકી શક્યો ન હતો. બોલિંગમાં મળેલી તકનો ફાયદો ઉઠાવતા કૈફે વર્લ્ડ જાયન્ટ્સ ટીમના બેટ્સમેન થિસારા પરેરાને તેના બીજા બોલ પર શોર્ટ થર્ડ મેન પર કેચ આઉટ કરાવ્યો હતો.
મોહમ્મદ કૈફ વિકેટ લીધા બાદ ખુબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. આ વિકેટ લેવાનો સમગ્ર વીડિયો તેણે ટ્વિટર પર શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે થિસારા પરેરા કૈફના બોલ પર કેચ આઉટ થાય છે. આ વીડિયો શેર કરતાં મોહમ્મદ કૈફે તેના કેપ્શનમાં સૌરવ ગાંગુલીને ટેગ કરતાં લખ્યું કે, 'ઓલરાઉન્ડર મોહમ્મદ કૈફની ડ્રિફ્ટ, ફ્લાઈટ અને ટર્ન પ્લીઝ જુઓ. દાદા, તમને નથી લાગતું કે તમે તે ચૂકી ગયા?' મોહમ્મદ કૈફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
બીજી તરફ મોહમ્મદ કૈફના આ વીડિયો પર પૂર્વ ભારતીય બોલર ઈરફાન પઠાણે લખ્યું કે, 'તમારી બોલિંગની મજાક ઉડાવવા બદલ હું માફી માગું છું.' મહત્વનું છે કે, આ જ મેચમાં કૈફ અને ઈરફાન પઠાણ ઈન્ડિયા મહારાજા ટીમ તરફથી રમી રહ્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈરફાન પઠાણે કૈફની મજાક ક્યારે ઉડાવી હતી. ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણની કોમેન્ટનો જવાબ આપતા મોહમ્મદ કૈફે પણ પુછ્યું છે કે, 'જો કે કહ્યું શું હતું, મેં સાંભળ્યું નહોતું.'
આમ મોહમ્મદ કૈફના વીડિયોમાં કોમેન્ટ કરીને ઈરાફાન પઠાણે માફી તો માંગી લીધી પણ શા માટે માફી માંગી તે હજી પણ સ્પષ્ટ થયું નહોતું. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ જાયન્ટ્સ અને ઈન્ડિયા મહારાજા વચ્ચે રમાયેલી આ મેચમાં વર્લ્ડ જાયન્ટ્સે 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈન્ડિયા મહારાજાની ટીમે 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.