નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં હંમેશા માટે નંબર વન બેટ્સમેનની ચર્ચા થતી રહે છે, કયા ફોર્મેટમાં કયો બેટ્સમેન શ્રેષ્ઠ છે, તેના અંગે દરેક ખેલાડીઓના અલગ અલગ મત હોય છે. હવે પાકિસ્તાનના પૂર્વ સ્ટાર બેટ્સમેન મોહમ્મદ યુસુફના મતે કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટી20માં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.


અંગ્રેજી મેગેઝિન સ્પોર્ટ્સ્ટારને આપેલા ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના સૌથી સફળ ક્રિકેટરોમાના એક મોહમ્મદ યુસુફનુ માનવુ છે કે, કોહલી નંબર વન બેટ્સમેન છે. ઇન્ટરવ્યૂ દરમિયાન મોહમ્મદ યુસુફે કહ્યું કે આજના સમયમાં ક્રિકેટમાં કેટલાક કમાલના બેટ્સમેનો છે, રોહિત શર્મા, જો રૂટ, સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન પણ વિરાટ કોહલી તમામ ફોર્મેટમાં સર્વેશ્રેષ્ઠ છે.

મોહમ્મદ યુસુફ દબાણ ઝીલવાની કોહલીની ક્ષમતાની પ્રસંશા કરતા કહ્યું કે, જે રીતે કોહલી બેટિંગ કરે છે, જે રીતે તે દરેક ઇનિંગમાં દબાણ ઝીલીને બેટિંગ કરીને સદી ફટકારે છે કે પછી રમે છે, તે ખરેખર ગજબની સ્કિલ છે.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી હાલ વનડેમાં દુનિયાનો નંબર વન બેટ્સમેને છે, જ્યારે થોડાક દિવસો પહેલા જ સ્ટીવ સ્મિથે ટેસ્ટમાં કોહલીને નંબર પરથી ધકેલીને બીજા નંબર પર ખસેડી દીધો છે, આને ટી20માં પણ કોહલી નંબર વન બેટ્સમેન રહી ચૂક્યો છે.



વિરાટના આંકડાઓની વાત કરીએ તો લગભગ 11 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં કોહલીએ અત્યાર સુધી 11 હજારથી વધુ વનડે રન, 27 સદી, અને 7 હજારથી વધુ ટેસ્ટ રન બનાવી દીધા છે. ટી20 ફોર્મેટમાં પણ તે 2700થી વધુ રન બનાવી ચૂક્યો છે અને સૌથી આગળ છે.