ટીમ ઈન્ડિયા સાથે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે. સિરાજના પિતા મોહમ્મદ ગાઉસ માત્ર 53 વર્ષના હતા, તેઓ ફેફસાના રોગથી પીડિત હતા. સિરાજના પિતાએ હૈદરાબાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સ્પોર્ટ્સ સ્ટારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ મોહમ્મદ સિરાજને આ સમાચાર ત્યારે મળ્યા જ્યારે તે પ્રેક્ટિસથી હોટલ પરત ફરી રહ્યો હતો.


સિરાજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી રહ્યો છે. બેંગલોરે ટ્વિટ કરીને સિરાજના પિતાના નિધનની માહિતી શેર કરી હતી. ટીમે લખ્યું હતું કે, મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે અને અમારી દુવાઓ અને સાંત્વના સિરાજ અને તેના પરિવાર સાથે છે. સમગ્ર આરસીબી પરિવાર આ કપરા સમયમાં તારી સાથે છે. મજબૂત રહેજે મિંયા.

હાલમાં કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમને ક્વોરેન્ટીન પ્રોટોકોલનું પાલન કરવું પડી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ક્વોરેન્ટીન પ્રોટોકોલના કારણે સિરાજ પિતાની અંતિમક્રિયામાં હાજરી આપવા હૈદરાબાદ આવી શકશે નહીં. ભારતીય ટીમ 13 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને હાલમાં ક્વોરેન્ટીન છે.

સિરાજે 7 વર્ષની ઉંમરે પોતાના મોટા ભાઈને ગુમાવી દીધો હતો. તેઓએ કહ્યું, "પિતાની હંમેશાથી એક ઈચ્છા હતી અને તેઓ કાયમ કહેતા કે મારો પુત્ર દેશનું નામ રોશન કરશે. હું પિતાની ઈચ્છાને પૂરી કરીશ."

સિરાજે 2016-17ના રણજી સીઝનમાં 41 વિકેટ લીધી હતી. જે બાદ તેને IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિરાજે લીગમાં 35 મેચ રમી, જેમાં તેને 39 વિકેટ લીધી હતી. તેને ટીમ ઈન્ડિયા માટે 3 ટી-20માં 3 વિકેટ લીધી છે. સિરાજે એક વન ડે મેચ પણ રમી છે જો કે તેમાં તેને એક પણ વિકેટ મળી ન હતી.