Most Wins In T20Is By 1 Run: T20 વર્લ્ડકપ 2024ની 31મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ નેપાળને ફક્ત 1 રનથી હરાવ્યું છે. સેન્ટ વિન્સેન્ટના આર્નોસ વેલે મેદાનમાં બંને વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને છેલ્લા બોલ પર આફ્રિકાનો વિજય થયો હતો, પરંતુ ટી20 ઈન્ટરનેશનલમાં આ પ્રથમ વખત નથી બન્યું કે આફ્રિકાએ માત્ર 1 રનના માર્જિનથી મેચ જીતી હોય, પરંતુ આ પાંચમી વખત હતું જ્યારે આફ્રિકાએ આ સિદ્ધિ મેળવી હોય. આફ્રિકા એવી ટીમ છે જેને T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વખત 1 રનથી મેચ જીતી છે.


ટીમે T20 વર્લ્ડકપમાં જ બે વખત 1 રનથી જીત મેળવી હતી. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાએ 01 રનથી પ્રથમ જીત નોંધાવી હતી. 2009 T20 વર્લ્ડકપમાં આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને લોર્ડ્સમાં હરાવ્યું હતું, જે T20 વર્લ્ડકપમાં 1 રનના માર્જીનથી તેની પ્રથમ જીત હતી. હવે 2024ની ટૂર્નામેન્ટમાં આફ્રિકાએ નેપાળને 01 રનથી હરાવ્યું હતું. આફ્રિકા સિવાય T20 ઈન્ટરનેશનલમાં અન્ય કોઈ ટીમ બે વખતથી વધુ 1 રનથી મેચ જીતી શકી નથી.


ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વાર 1 રનથી મેચ જીતનારી ટીમો 
5 - દક્ષિણ આફ્રિકા
2 - ઈંગ્લેન્ડ
2 - ભારત
2 - ન્યૂઝીલેન્ડ
2 - આયરલેન્ડ
2 - કેન્યા


ટી20 વર્લ્ડકપમાં 1 રનથી જીત 
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, લોર્ડ્સ, 2009
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પાકિસ્તાન, બ્રિજટાઉન, 2010
ભારત વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, કોલંબો આરપીએસ, 2012
ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ, બેંગલુરુ, 2016
ઝિમ્બાબ્વે વિરૂદ્ધ પાકિસ્તાન, પર્થ, 2022
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ નેપાળ, કિંગ્સટાઉન, 2024


આવી રહી મેચની સ્થિતિ 
નોંધનીય છે કે T20 વર્લ્ડકપ 2024ની 31મી મેચ આફ્રિકા અને નેપાળ વચ્ચે રમાઈ હતી. મેચમાં નેપાળે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં માત્ર 115/7 રન બનાવી શકી હતી.


ત્યારબાદ, લક્ષ્યનો પીછો કરતી વખતે નેપાળ 20 ઓવરમાં માત્ર 114/7 રન સુધી પહોંચી શક્યું હતું. નેપાળે સારી શરૂઆત કરી હતી અને એક સમયે એવું લાગી રહ્યું હતું કે તેઓ મેચ જીતી જશે. પરંતુ આફ્રિકન બોલરોએ મેચના અંતે ચુસ્ત બોલિંગ કરીને મેચ જીતી લીધી હતી. નેપાળને છેલ્લા બોલ પર જીતવા માટે 02 રનની જરૂર હતી. બોલ ડોટ થયા બાદ નેપાળના બેટ્સમેન ગુલશન ઝાએ રન લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે રનઆઉટ થયો હતો.