નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન સમયમાં દુનિયાનો બેસ્ટ બેટ્સમેન છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમયે તેના સિલેક્શનથી 2008માં તત્કાલિન ભારતીય કેપ્ટન ધોની, કોચ ગૈરી કર્સ્ટન અને બીસીસીઆઇ પ્રમુખ એન.શ્રીનિવાસન ખુશ નહોતા. આ વાતનો ખુલાસો તે સમયે સિલેક્શન ટીમના ચેરમેન રહેલા દિલીપ વેંગસરકરે કર્યો હતો.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, હું અને મારી સિલેક્શન પેનલે અંડર-23 ટીમમાં કેટલાક ખેલાડીઓને ટીમમાં લેવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં જીત્યો હતો. જેથી અમે 2008માં કોહલીને શ્રીલંકા પ્રવાસની ટીમમાં પસંદ કર્યો જેનાથી ધોની ખુશ નહોતો.

તેમણે કહ્યુ કે, ગૈરી કર્સ્ટન અને ધોનીએ વિરાટ માટે ના પાડી દીધી હતી. બંન્નેએ કહ્યું હતું કે, તેને રમતો ક્યારેય જોતો નથી. આપણે જૂની ટીમ સાથે શ્રીલંકા જઇશું. મેં તેમને કહ્યુ કે, મે આ છોકરાને રમતો જોયો છે. આ છોકરો ટીમમાં હોવો જોઇએ. જોકે ધોની અને તત્કાલિન બીસીસીઆઇ પ્રમુખ  શ્રીનિવાસને કહ્યું હતું કે એસ.બદ્રિનાથ ટીમમાં  હોવો જોઇએ. તેણે ડોમેસ્ટિકમાં સારુ પ્રદર્શન કર્યું છે. જોકે, કોહલીને શ્રીલંકન પ્રવાસમાં ટીમમાં સ્થાન મળી ગયુ છે.

વેંગસરકરનું કહેવું છે કે આ વાતથી નારાજ થઇને શ્રીનિવાસને તેમનો મુખ્ય પસંદગીકર્તા તરીકેનો કાર્યકાળ જલદી ખત્મ કરી દીધો હતો. નોંધનીય છે કે કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ 18 ઓગસ્ટ 2008માં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું.  જેમાં તેણે 22 બોલમાં 12 રન બનાવ્યા હતા. જ્યારે તેની પછીની મેચમાં 20 ઓગસ્ટના રોજ એસ.બદ્રિનાથે ડેબ્યૂ કર્યું હતું.