Syed Saba Karim On MS Dhoni: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માત્ર ભારતમાં જ નહીં પરંતુ ક્રિકેટ જગતમાં પણ એક મોટું નામ છે. ધોની ભારત માટે સૌથી વધુ ICC ટ્રોફી જીતનાર કેપ્ટન છે. 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ધોનીની કારકિર્દી લગભગ 15 વર્ષની હતી. ભૂતપૂર્વ ભારતીય પસંદગીકાર સૈયદ સબા કરીમે ખુલાસો કર્યો કે કેવી રીતે ધોનીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું.


પૂર્વ પસંદગીકારે કહ્યું કે કઇ બાબત ધોનીની કારકિર્દીમાં ટર્નિંગ પોઇન્ટ રહી હતી. સબા કરીમે 'જિયો સિનેમા' પર કોમેન્ટ્રી બોક્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સબા કરીમ બિહારમાં રણજીના સિલેક્ટર બન્યા બાદ ધોનીને મળ્યા હતા ત્યારે ધોની બિહાર તરફથી રણજી રમતો હતો.


ભૂતપૂર્વ પસંદગીકારે કહ્યું હતું કે જ્યારે હું ધોનીને મળ્યો ત્યારે તે રણજીમાં બીજા વર્ષે રમી રહ્યો હતોતે બિહાર તરફથી રમતો હતો. મેં તેને બેટિંગ કરતા જોયો હતો, અને મને હજુ પણ યાદ છે કે જ્યારે તે બેટિંગ કરતો હતો ત્યારે તેની પાસે તે જબરદસ્ત પ્રતિભા હતી જે આપણે પછીથી જોઈ હતી. સ્પિનર હોય કે પછી ઝડપી બોલર તે મોટા લોફ્ટેડ શોટ્સ રમતો હતો. વિકેટકીપિંગ માટે જે ફૂટવર્ક હોવું જોઈતું હતું તેમાં થોડો અભાવ હતો.


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “અમે તે સમયે તેની સાથે તેના પર કામ કર્યું હતું અને તે પછી તેને જે શીખવવામાં આવ્યું હતું તે તે હજી પણ યાદ કરે છે. એમએસની કારકિર્દીમાં આ ટર્નિંગ પોઇન્ટ હતો જ્યાં તે ખરેખર આગળ વધી રહ્યો હતો. વનડેમાં અમે તેને ઇનિંગ્સની ઓપનિંગમાં મોકલ્યો કારણ કે તેની બેટિંગ ખૂબ જ મજબૂત હતી અને તે ઝડપથી સ્કોર બનાવી લેતો હતો.


સબા કરીમે વધુમાં જણાવ્યું કે કેવી રીતે રાષ્ટ્રીય ટીમના પસંદગીકારોએ ભારત-A પ્રવાસ પછી ધોનીની પસંદગી કરી હતી. “બીજો ટર્નિંગ પોઇન્ટ કેન્યામાં ભારત 'A', પાકિસ્તાન 'A' અને કેન્યા વચ્ચેની ત્રિકોણીય શ્રેણી હતી. દિનેશ કાર્તિક રાષ્ટ્રીય ટીમ સાથે જોડાઈ રહ્યો હોવાથી ધોનીને રમવાની તક મળી હતી. જ્યાં ધોનીએ સારી વિકેટકીપિંગ અને બેટિંગ કરી હતી.  અમે પાકિસ્તાન A સામે બે વખત રમ્યા અને તેણે શ્રેણીમાં સારી બેટિંગ કરી હતી.


ભૂતપૂર્વ ભારતીય પસંદગીકારે કહ્યું, “ત્યાંથી તેની કારકિર્દીનો ટનિંગ પોઇન્ટ રહ્યો હતો. તે પછી તેનું નામ ન્યૂઝમાં આવવા લાગ્યું. મને એ પણ યાદ છે કે હું તે સમયે કોલકાતામાં હતો અને સૌરવ ગાંગુલી કેપ્ટન હતો. હું તેને મળવા માંગતો હતો અને તેને કહેવા માંગતો હતો કે એક એવો કીપર છે જેણે ભારતીય ટીમમાં આવવું જોઈએ કારણ કે તે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. કમનસીબે, સૌરવે પાકિસ્તાનના પ્રવાસ પહેલા એમએસની રમત જોઈ ન હતી અને તે પ્રવાસ માટે તેની પસંદગી થઈ ન હતી.