નવી દિલ્હીઃ ભારતીય ટીમના બેટ્સમેન કેદાર જાધવે કહ્યું કે, તે મહેન્દ્ર ધોનીનો આભારી છે કારણ કે તેમના સમર્થનના કારણે તે અનેક ઇન્ટરનેશનલ વન-ડે રમી શક્યો છે. 35 વર્ષના જાધવે ભારતીય ટીમ તરફથી 73 વન-ડે મેચ રમી છે. જાધવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. જોકે, આ સીરિઝ કોરોના વાયરસના કારણે સ્થગિત કરવામાં આવી હતી.


ચેન્નઇ સુપર કિંગ્સ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટમાં જાધવે કહ્યુ કે, જ્યારે હું મોટો થઇ રહ્યો હતો ત્યારે સચિન મારા આદર્શ હતા. મને એ વાતનો પછતાવો છે કે હું તેમની સાથે રમી શક્યો નહી. પરંતુ જ્યારે પસંદગીના ક્રિકેટરની વાત આવે છે તો મારો પસંદગીનો ક્રિકેટર તે ધોની છે.

જાધવે કહ્યું કે, જ્યારે હું માહી ભાઇને મળ્યો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે તે ભારતના કેપ્ટન છે તો ખૂબ કડક હશે પરંતુ તેમને મળ્યા બાદ પસંદગીના ક્રિકેટરની કોઇ અન્ય તસવીર સામે આવી હતી.

આઇપીએલમાં ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઇ તરફથી રમનાર જાધવે કહ્યું કે, હું આઠ-દસ વન-ડે જ રમી શકતો પરંતુ માહી ભાઇએ મારો સાથ આપ્યો અને તેમના શાંત સ્વભાવની મારા પર અસર રહી છે. જ્યારે હું તેમને જોવું છું તો મને આત્મવિશ્વાસ મળે છે અને જો તમને આવું સમર્થન કેપ્ટન તરફથી મળે છે તો તેનાથી ખૂબ મદદ મળે છે.