MS Dhoni Records :  ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) 7મી જૂલાઈએ પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ધોનીના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ચાહકો આખા વર્ષ દરમિયાન તેમના જન્મદિવસની ઉજવણીની આતુરતાથી રાહ જોતા હોય છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટને જે સ્તર સુધી પહોંચાડ્યું છે તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેની કેપ્ટનશીપ હેઠળ તેણે 3 મોટી ICC ટૂર્નામેન્ટમાં ભારતને જીત અપાવી છે. તો આ દરમિયાન અમે તમને એમએસના કેટલાક એવા રેકોર્ડ વિશે જણાવીશું જેને કોઇ ભાગ્યે જ તોડી શકશે.


200 વનડેમાં કેપ્ટનશીપ


મહેન્દ્ર સિંહ ધોનીના નામે સૌથી વધુ 200 વનડેમાં ભારતની કેપ્ટનશિપનો રેકોર્ડ છે. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 110 મેચ જીતી છે અને 74 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 59.52 હતી. વનડેમાં કેપ્ટનશીપની વાત કરીએ તો અત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ નથી.


સૌથી વધુ સ્ટમ્પિંગનો રેકોર્ડ ધોનીના નામે


વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. ધોનીએ 350 વનડેમાં કુલ 123 સ્ટમ્પિંગ કર્યા છે. તેના સિવાય અન્ય કોઈ વિકેટકીપરે આ સિદ્ધિ હાંસલ કરી નથી. આ સિવાય તેણે વનડેમાં 321 કેચ પણ લીધા છે.


વિકેટ-કીપર બેટ્સમેન તરીકે સર્વોચ્ચ સ્કોર


એમએસ ધોની એક કેપ્ટન તરીકે જેટલો સફળ રહ્યો છે, તેટલો તે બેટ્સમેન તરીકે સફળ રહ્યો છે. વન-ડે ક્રિકેટમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. તેણે વર્ષ 2005માં શ્રીલંકા સામે 183 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 15 ચોગ્ગા અને 10 સિક્સ ફટકારી હતી.


ICC ODI રેન્કિંગમાં સૌથી ઝડપી પ્રથમ સ્થાન મેળવનાર


એમએસ ધોનીએ ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ડેબ્યૂ કર્યા બાદ તે માત્ર 42 ઇનિંગ્સમાં વન-ડે  રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો હતો.


તમામ ICC ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન


એમએસ ધોની ભારતને ત્રણેય ICC ટાઇટલ અપાવનાર પ્રથમ કેપ્ટન હતો. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ વખત વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. આ પછી માહીની કેપ્ટન્સીમાં ભારત વર્લ્ડ કપ 2011માં ચેમ્પિયન બન્યું હતું. આ પછી તેની કેપ્ટનશીપમાં ભારતે વર્ષ 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી