સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ધોનીને આગામી ચૂંટણી, 2024 લોકસભા લડવાની સલાહ આપી છે. જોકે ધોનીએ હજુ સુધી કોઇ રાજકીય પાર્ટીનુ સમર્થન નથી કર્યુ.
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે પોતાના ટ્વીટર પર લખ્યું- એમએસ ધોની ક્રિકેટમાંથી રિટાયર થઇ રહ્યાં છે, પરંતુ કોઇ બીજી ચીજથી નહીં. પડકારોથી લડવાની તેમની પ્રતિભા અને એક ટીમનું નેતૃત્વ કરવાની જે ક્ષમતા તેમને ક્રિકેટમાં બતાવી છે, તેની સાર્વજનિક જીવનમાં પણ જરૂર છે, તેમને 2024માં લોકસભા ચૂંટણી લડવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે ધોનીની નેતૃત્વ ક્ષમતાને આખી દુનિયા જોઇ ચૂકી છે. એક ટીમને કઇ રીતે એકસાથે રાખીને મોટા પડકારોને પહોંચી વળતા તે ધોનીને સારી રીતે આવડે છે. આ જ આવડતથી ધોનીએ બે-બે વર્લ્ડકપ ભારતને અપાવ્યા છે.
કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર....
ધોનીએ તેજતર્રાર વિકેટકીપર બેટ્સમેન હતો, જેને ભારતને 2007માં ઉદઘાટન ટી20 વર્લ્ડકપમાં વિજેતા બનાવ્યુ હતુ, અને વર્ષ 2011ના વર્લ્ડકપ ઇવેન્ટમાં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. તેનો જન્મ 7 જુલાઇએ થયો હતો.
ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.