MIW vs UW Match Report: વુમન્સ પ્રીમિયર લીગ 2024 સીઝનની છઠ્ઠી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને UP વોરિયર્સની ટીમો સામસામે હતી. આ મેચમાં યુપી વોરિયર્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને આસાનીથી હરાવ્યું હતું. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સને સિઝનની પહેલી હાર મળી છે. યુપી વોરિયર્સને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ હતો. એલિસા હીલીની આગેવાની હેઠળની ટીમે 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


 






આ પહેલા યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તેમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર અને શબનિમ ઈસ્માઈલ વિના મેદાનમાં ઉતરી હતી. નેટ સીવર બ્રન્ટે હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું.


એલિસા હીલી અને કિરણ નવગીરેએ મેચને એકતરફી બનાવી હતી


મુંબઈ ઈન્ડિયન્સના 161 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલા યુપી વોરિયર્સની શરૂઆત શાનદાર રહી હતી. યુપી વોરિયર્સની ઓપનર એલિસા હીલી અને કિરણ નવગીરે પ્રથમ વિકેટ માટે 9 ઓવરમાં 94 રન જોડ્યા હતા. કિરણ નવગીરે 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે એલિસા હીલીએ 29 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 33 રનની ઇનિંગ રમી હતી. હેરી ગ્રેસે 17 બોલમાં 38 રન ફટકારીને શાનદાર ફિનિશિંગ કર્યું હતું. જ્યારે દીપ્તિ શર્મા 20 બોલમાં 27 રન બનાવીને નોટઆઉટ પરત ફરી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની વાત કરીએ તો ઈસી વોંગ સૌથી સફળ બોલર રહી હતી. ઇસી વોંગે યુપી વોરિયર્સના 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. જ્યારે એમેલિયા કારને 1 સફળતા મળી હતી.


મુંબઈ-યુપી મેચની સ્થિતિ


આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર હેલી મેથ્યુસ અને યસ્તિકા ભાટિયાએ પ્રથમ વિકેટ માટે 50 રન જોડ્યા હતા. પરંતુ આ પછી બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા. મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનર હેલી મેથ્યુઝે 47 બોલમાં સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. યુપી વોરિયર્સ તરફથી અંજલિ સરવાણી, ગ્રેસ હેરિસ, સોફિયા એક્લેસ્ટોન, દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડને 1-1 સફળતા મળી.