નવી દિલ્હીઃ ક્રિકેટની રમત હંમેશા અજીબોગરીબ વસ્તુઓની જનેતા છે. ક્રિકેટની રમત અનિશ્ચિતતાઓથી ભરેલી છે. બુધવારે ક્રિકેટની રમતમાં એક વિચિત્ર અને ગજબનુ કારનામુ થયુ છે. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં એવી ઘટના ઘટી જેને બધાને ચોંકાવી દીધા. આ મેદાન પર બીસીસીઆઇની સીનિયર મહિલા વનડે ટ્રૉફીની એક મેચ માત્ર 4 બૉલમાં ખતમ થઇ ગઇ.
મુંબઇ-નાગાલેન્ડની વચ્ચે હતી મેચ.....
સીનિયર મહિલા વનડે ટ્રૉફીની એક મેચમાં મુંબઇ અને નાગાલેન્ડની ટીમો આમને સામને હતી, આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી નાગાલેન્ડની ટીમ 17.4 ઓવરમાં માત્ર 17 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ. નાગાલેન્ડની આ ઇનિંગમાં તેનો કોઇપણ બેટ્સમેન ડબલ આંકડો પણ પાર ના કરી શક્યો. જ્યારે તેના છ બેટ્સમેનો તો પોતાનુ ખાતુ પણ ના ખોલાવી શક્યા. મુંબઇ તરફથી આ સયાલી સતધરે માત્ર 5 રન આપીને નાગાલેન્ડના 7 બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા. મુંબઇની ટીમે 17માંથી કુલ 9 ઓવર મેડલ ફેંકી હતી.
મુંબઇએ 4 બૉલમાં હાંસલ કર્યુ લક્ષ્ય....
નાગાલેન્ડની ટીમના 18 રનોના લક્ષ્યના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી મુંબઇની ટીમે આ મેચ પહેલી ઓવરમાં માત્ર 4 બૉલમાં જીતી લીધી. મુંબઇની ઇશા ઓઝાએ ત્રણ ચોગ્ગાની મદદથી 13 રન બનાવ્યા. જ્યારે તેની પાર્ટનર રુશાલી ભગતે એક છગ્ગો ફટકારીને 6 રન બનાવ્યા હતા. મુંબઇએ આ મેચને 296 બૉલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી.
અગાઉ પણ નોંધાયેલો છે નાગાલેન્ડના નામે આવો ખરાબ રેકોર્ડ....
નાગાલેન્ડની અંડર 19 ટીમ 2017માં આવુ કારનામુ કરી ચૂકી છે. ખરેખરમાં, નાગાલેન્ડની અંડર 19 ટીમ કેરાલા સામે એક 50 ઓવરની મેચમાં ટકરાઇ હતી, તે મેચમાં નાગાલેન્ડની ટીમ 17 ઓવર રમીને માત્ર 2 રન જ બનાવી શકી હતી. આમાં એક રન તો વાઇડ બૉલનો હતો. નાગાલેન્ડના 10 બેટ્સમેનોમાંથી 9 બેટ્સમેનોએ તો ખાતુ પણ ન હતુ ખોલાવી શક્યા, જવાબમાં કેરાલાની ટીમે આરામથી પહેલા જ બૉલ પર આ મેચ જીતી લીધી હતી.