ઈન્દોરઃ ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ લગભગ બે દાયકા સુધી ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રમતના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. રણજી ટ્રોફીમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ શિકાર (351)નો રેકોર્ડ પોતાના નામે રાખનાર મધ્યપ્રદેશના આ દિગ્ગજે ટીમ ઇન્ડિયા માટે એક ટેસ્ટ, એક વન-ડે અને બે ટી૨૦ મૅચ રમ્યો છે.

નમન ઓઝા એક વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં ઓઝાએ કહ્યું કે ‘હું મારી રિટાયરમેન્ટ જાહેર કરવા માગું છું. મારા માટે આ આગળ વધવાનો સમય છે. આ ઘણી લાંબી જર્ની રહી છે અને મને મારા રાજ્ય અને દેશ માટે રમવાની તક મળી એ બદલ હું ઘણો આભારી છું.’

ઓઝાએ કહ્યુ, હું મારા કરિયર દરમિયાન સાથ આપવા માટે એમપીસીએ, બીસીસીઆઈ અને સાથી ખેલાડીઓ તથા કોચ સિવાય મારા પરિવાર અને મિત્રોનો આભાર માનીશ. માત્ર 17 વર્ષની ઉંમરમાં 2000-01 સત્રથી ઘરેલૂ ક્રિકેટમાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરનાત આ ખેલાડી માટે કરિશ્માઈ એમએસ ધોનીના યુગમાં રાષ્ટ્રીય ટીમ માટે વધુ તક મળવી મુશ્કેલ થઈ ગઈ.


MS Dhoniનું ટીમ ઈન્ડિયામાં આગમન થયા બાદ પછી આ વિકેટકિપર બેટ્સમેનને ફરીથી ટીમમાં ચાન્સ મળી શક્યો નહીં.આપણે જણાવી દઈએ કે ઓઝાએ 17 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે બે દાયકાથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી સફળ વિકેટકીપર બેટ્સમેન રહ્યો હતો. ઓપનિંગની સાથે જ કોઈ પણ સ્થાન પર રમી શકવાની ક્ષમતાના આધારે જ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા.


નમને સ્થાનિક ક્રિકેટમાં ૧૪૩ લિસ્ટ-એ અને ૧૮૨ ટી૨૦ મૅચમાં અનુક્રમે ૪૨૭૮ અને ૨૯૭૨ રન બનાવ્યા છે. ગયા વર્ષે તે જાન્યુઆરીમાં મધ્ય પ્રદેશ માટે ઉત્તર પ્રદેશ સામેની છેલ્લી રણજી ટ્રોફી મૅચ રમ્યો હતો. આ ઉપરાંત તે આઇપીએલમાં રાજસ્થાન, હૈદરાબાદ અને દિલ્હી વતી રમી ચૂક્યો છે.