IND vs PAK T20 World Cup: થોડા દિવસ પહેલા જ આતંકવાદી સંગઠન ISIS એ ન્યૂયોર્કમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પર હુમલાનો મેસેજ જારી કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ એક 'લોન વુલ્ફ' હુમલો હશે, જે ટીમ દ્વારા નહીં પરંતુ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધો સારા નથી તેથી આતંકવાદી ષડયંત્રની અફવા ફેલાતાં જ ન્યુયોર્કના દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. ખાસ કરીને નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની આસપાસ ભારે સુરક્ષા જોવા મળી રહી છે. વેલ, હવે નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરે સુરક્ષાને લઈને મોટું અપડેટ આપ્યું છે.  તમને જણાવી દઈએ કે, બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાનની ટી20 વર્લ્ડ કપમાં શરૂઆત સારી રહી ન હતી. અમેરિકાએ સુપર ઓવરમાં પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું.


દરેકને ખૂબ જ કડક સુરક્ષામાંથી પસાર થવું પડશે


નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરે જણાવ્યું હતું કે, "અમે સુરક્ષાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે અમારા સાથીઓ સાથે સતત સંપર્કમાં છીએ જે અમને માહિતી આપી રહ્યા છે. અમે ગુપ્ત માહિતી પર પણ નજર રાખીએ છીએ અને કહી શકાય કે હાલમાં સુરક્ષા વ્યવસ્થા સઘન છે.  કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને ગ્રાઉન્ડની અંદર જતી દરેક વસ્તુની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. દરેકને ખૂબ જ કડક સુરક્ષામાંથી પસાર થવું પડે છે.


સીડર પાર્કમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવશે
જેમની પાસે ટિકિટ નથી તેઓ ગ્રાઉન્ડ નજીક સીડર પાર્કમાં મોટી સ્ક્રીન પર વોચ પાર્ટી દરમિયાન લાઈવ મેચનો આનંદ માણશે. પરંતુ સીડર પાર્કમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોકો સીડર પાર્કની અંદર બેસવા માટે બેગ, કુલર અને ખુરશીઓ પણ લાવી શકે છે. પાર્કમાં વિવિધ સ્થળોએ સુરક્ષા ચોકીઓ લગાવવામાં આવી છે.


નો-ફ્લાય ઝોન જાહેર
એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચ પર આતંકી હુમલાના કાવતરાને કારણે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે મેચ રમાઈ રહી છે ત્યારે આ વિસ્તાર નો-ફ્લાય ઝોન બની ગયો હશે. મેચ દરમિયાન પોલીસ એરિયલ સર્વેલન્સ પણ રાખશે.