IND vs AUS 3rd ODI: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વન ડેમાં ભારતીય ટીમનો 66 રનથી પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 353 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 49.4 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 81 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 56 રન, ઐયરે 48 રન અને જાડેજાએ 35 રનનું યોગદાન આપ્યું હતું.


ભારતની હારના કારણો



  • શુભમન ગિલને આરામઃ ભારતે ઈનફોર્મ બેટ્સમેન શુભમન ગિલને રાજકોટ વન ડેમાં આરામ આપ્યો હતો. ઓપનિંગમાં રોહિત શર્મા સાથે આવેલો વોશિંગ્ટન સુંદર ખાસ ઉકાળી શક્યો નહોતો અને 30 બોલમાં માત્ર 18 રન બનાવી આઉટ થયો હતો.

  • રોહિત શર્મા સિવાયના બેટ્સમેનો સેટ થયા બાદ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળઃ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોમાં રોહિત શર્મા સિવાય અન્ય બેટ્સમેનો સેટ થયા બાદ લાંબી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. જે પણ ભારતની હારનું મુખ્ય કારણ બન્યું હતું.

  • સ્પિનર્સ સામે રમવાની ફરી નિષ્ફળતા આવી સામેઃ ભારતને આજે ઓસ્ટ્રેલિયાના સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પરેશાન કર્યુ હતું. મેક્સવેલે 10 ઓવરમાં 40 રન આપીને રોહિત શર્મા, વોશિંગ્ટન સુંદર, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના સ્પિનરોએ કુલ 5 વિકેટ ઝડપી હતી.


મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 352 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શે સર્વાધિક 96 રન બનાવ્યા હતા. ભારત તરફથી બુમરાહે 10 ઓવરમાં 81 રનમાં 3 વિકેટ ઝડપી હતી.મિશેલ માર્શ (84 બોલમાં 96 રન) અને ડેવિડ વોર્નર (34 બોલમાં 56 રન) ની જોડીએ પ્રથમ વિકેટ માટે 78 રન ઉમેર્યા હતા. સ્ટીવ સ્મિથે 74 રન અને લાબુશેને 72 રનનું યોગદાન આપ્યું હતું. બુમરાહે 81 રનમાં 3 વિકેટ, કુલદીપ યાદવે 48 રનમાં 2 વિકેટ, મોહમ્મદ સિરાજે 68 રનમાં 1 વિકેટ તથા પ્રસિદ્ધ ક્રિષ્નાએ 45 રનમાં 1 વિકેટ લીધી હતી.






ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણ.


ઓસ્ટ્રેલિયા ટીમ:મિશેલ માર્શ, ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, કેમેરૂન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, તનવીર સાંધા, જૉશ હેઝલવુડ.