ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ 2023માં ભાગ લેનારી તમામ 10 ટીમો નક્કી થઇ ગઇ છે. નેધરલેન્ડ સુપર-12માં પહોંચનારી છેલ્લી ટીમ હતી. સ્કોટ એડવર્ડ્સના નેતૃત્વમાં નેધરલેન્ડે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં સ્કોટલેન્ડને ચાર વિકેટે હરાવીને વર્લ્ડ કપમાં એન્ટ્રી મારી હતી. નેધરલેન્ડની ટીમ પાંચમી વખત વન-ડે વર્લ્ડ કપ રમવા જઈ રહી છે. આ પહેલા તે 1996, 2003, 2007 અને 2011નો વર્લ્ડ કપ રમી ચુકી છે.






નેધરલેન્ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે 44 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવાનું હતું, તો જ તેનો નેટ-રનરેટ સ્કોટલેન્ડ કરતા સારો બની શકે તેમ હતો. પરંતુ ડચ ટીમે 42.5 ઓવરમાં 278 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બુલાવાયોમાં રમાયેલી આ મેચમાં નેધરલેન્ડની જીતનો હીરો બાસ ડી લીડે રહ્યો હતો. બાસ ડીએ 92 બોલમાં 123 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં તેણે મેચમાં પાંચ વિકેટ પણ ઝડપી હતી.


આ 10 ટીમો વર્લ્ડ કપમાં ભાગ લેશે


વન-ડે વર્લ્ડ કપ 2023માં કુલ દસ ટીમો ભાગ લેવા જઈ રહી છે. યજમાન ભારત ઉપરાંત ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને આ ટૂર્નામેન્ટ માટે પોતપોતાના સ્થાન નિશ્વિત કરી લીધું છે. અન્ય બે ટીમોનો નિર્ણય ઝિમ્બાબ્વેમાં આયોજિત વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા થવાનો હતો. હવે શ્રીલંકા અને નેધરલેન્ડે વર્લ્ડ કપ ક્વોલિફાયર મારફતે વર્લ્ડકપમાં સ્થાન મેળવી લીધું છે


આ મેચમાં સ્કોટલેન્ડે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે 277 રન બનાવ્યા હતા. બ્રેન્ડન મેકમુલેને 106 અને કેપ્ટન રિચી બેરિંગટને 64 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમે 163 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાસ ડી લીડે શાનદાર બેટિંગ કરીને ટીમને વર્લ્ડ કપમાં એન્ટ્રી અપાવી હતી. ડી લીડે અને સાકિબ ઝુલ્ફિકાર છઠ્ઠી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી.


શ્રીલંકા-નેધરલેન્ડ ફાઈનલ રમશે


સુપર-સિક્સ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં સ્થાન મેળવનાર શ્રીલંકા અને નેધરલેન્ડ્સને ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમવાની તક મળવા જઈ રહી છે. હવે આ ક્વોલિફાયર ટુર્નામેન્ટની અંતિમ મેચ શ્રીલંકા અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ક્વોલિફાયરની ફાઇનલમાં જીતનારી ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાયર-1 નામની ટીમ ગણાશે જ્યારે જ્યારે રનર-અપ ટીમને ક્વોલિફાયર-2 કહેવામાં આવશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial