વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના અનુભવી ખેલાડી રૉસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ખાસ સિદ્ધી મેળવી લીધી છે. રૉસ ટેલર ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100-100 મેચ રમનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી બની ગયો છે. એટલે કે કિવી બેટ્સમેન રૉસ ટેલરે ક્રિકેટમાં ત્રિપલ સેન્ચૂરી પુરી કરી લીધી છે.

શુક્રવારે ભારત સામે પ્રથમ વેલિંગ્ટન ટેસ્ટમાં મેદાનમાં ઉતરતાની સાથે જ રૉસ ટેલરના નામે આ સિદ્ધી નોંધાઇ ગઇ હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે.


તાજેતરમાં જ ભારત સામે રમાયેલી પાંચ મેચોની ટી20 સીરીઝમાં રૉસ ટેલરે 100મી ટી20 મેચ રમી હતી, અને આજે 100 મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે, અને કિવી ટીમ તરફથી 231 વનડે પણ રમી ચૂક્યો છે.

રૉસ ટેલરના ટેસ્ટ કેરિયરની વાત કરીએ તો 100 ટેસ્ટમાં તેને 7174 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 33 અડધી સદી સામેલ છે.