ઈંડિયન પ્રીમિયર લીગ વચ્ચે ન્યુઝીલેન્ડના વધુ એક ક્રિકેટરે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલાં જ ન્યુઝીલેન્ડની ટીમના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. હવે ન્યુઝીલેન્ડની જ ટીમના બીજા ખેલાડી અને ફાસ્ટ બોલર હામિશ બેનેટે પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.


ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર હેમિશ બેનેટે મંગળવારે તેની 17 વર્ષની ક્રિકેટ કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લેતા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બેનેટે પણ કહ્યું કે, 2021-22ની સીઝન તેની છેલ્લી હશે. 35 વર્ષીય ખેલાડીએ ન્યુઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં 31 મેચોમાં 43 વિકેટ લીધી છે અને તાજેતરમાં જ ગયા સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની T20Iમાં રમતો જોવા મળ્યો હતો.


બેનેટે ન્યૂઝીલેન્ડ માટે 2010માં બાંગ્લાદેશ સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું અને એક મહિના પછી અમદાવાદમાં ભારત સામે તેની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. ફાસ્ટ બોલરને 2011ના વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈજાને કારણે તેને કાઢી નાખવામાં આવ્યો હતો, જેના કારણે બેનેટે પછીના વર્ષે મોટી સર્જરી કરાવવી પડી હતી. ઈજાને કારણે ન્યુઝીલેન્ડ માટે તેની કારકિર્દી પર પણ અસર થઈ હતી. હેમિશ બેનેટ કેન્ટરબરી અને વેલિંગ્ટન ટીમનો મુખ્ય સભ્ય રહ્યો હતો.


ન્યુઝીલેન્ડ ક્રિકેટ (NZC) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં બેનેટે કહ્યું, "જ્યારે મેં નેટ્સમાં બોલિંગ કરવા માટે એક યુવા ખેલાડી તરીકે શરૂઆત કરી ત્યારે મેં ક્યારેય સપનું પણ નહોતું વિચાર્યું કે હું મારી કારકિર્દીનો આટલો આનંદ માણી શકીશ. જે વર્ષો સુધી હું અહીં ક્રિકેટ રમ્યો છું, તે બધાએ મને મારા ક્રિકેટના સપનાને સાકાર કરવામાં મદદ કરી છે."


બેનેટે 2005 માં ડેબ્યૂ કર્યા પછી 265 સ્થાનિક મેચોમાં 489 વિકેટ લીધી છે. સાથે જ બેનેટે વેલિંગ્ટન બ્લેઝના બોલિંગ કોચ તરીકે પાંચ પ્લંકેટ શિલ્ડ, બે ફોર્ડ ટ્રોફી ટાઇટલ, ચાર મેન સુપર સ્મેશ ટાઇટલ સહિત 12 ડોમેસ્ટિક ટાઇટલ જીત્યા છે. ફાસ્ટ બોલર બેનેટે કહ્યું કે, "હું ઘણા મહાન ખેલાડીઓ, કેપ્ટન અને કોચ સાથે કામ કરીને અને રમીને ખૂબ ભાગ્યશાળી રહ્યો છું અને હું વર્ષોથી તેમના સમર્થન માટે દરેકનો આભાર માનું છું."