New Zealand Squad ODI World Cup:  આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. હવે આ મેગા ઈવેન્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC) એ 11 સપ્ટેમ્બર (સોમવાર) ના રોજ તેની ટીમની જાહેરાત કરી હતી.  વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ કેન વિલિયમ્સન કરશે, જે ઈજામાંથી સ્વસ્થ થઇને ટીમમાં પરત ફર્યો છે. વિલિયમ્સનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 દરમિયાન ઈજા થઈ હતી.






ફિન એલનને ન મળ્યું સ્થાન


ઓપનર બેટ્સમેન ફિન એલનને ટીમમાં સ્થાન મળ્યું નથી, જે ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય છે. જોકે, ભારતીય મૂળનો સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. રવિન્દ્રએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં ત્રણ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં હોંગકોંગ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા માર્ક ચેપમેનની પણ પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર કાઇલ જેમિસન અને એડમ મિલ્નની સાથે વિકેટકીપર ટિમ સેફર્ટને ટીમમાં સ્થાન મળ્યું નથી.


ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે સ્વીકાર કર્યો હતો કે ટીમની પસંદગી કરતી વખતે તેમણે કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા હતા. સ્ટેડે કહ્યું હતું કે  'હું પસંદ કરાયેલા 15 ખેલાડીઓને અભિનંદન આપવા માંગુ છું. કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવામાં આવ્યા છે અને કેટલાક ખેલાડીઓ નિરાશ થશે. અમારા માટે મહત્વની બાબત ટીમ માટે યોગ્ય કોમ્બિનેશન શોધવાનું હતું.


ન્યૂઝીલેન્ડની ટીમ 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 2 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે પ્રેક્ટિસ મેચ રમશે. ત્રણ દિવસ પછી તે અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામેની મેચથી તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લા બે વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતું પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.


વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ


કેન વિલિયમસન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોન્વે, લૉકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), ડેરિલ મિશેલ, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર , મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, વિલ યંગ.