મુંબઇઃ ન્યૂઝિલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ વરસાદના કારણે મોડા શરૂ થશે. કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદના કારણે મેચમાં પ્રથમ સેશન થઇ શક્યું નહોતું. ભારત સામેની બીજી ટેસ્ટ મેચ અગાઉ ન્યૂઝિલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેન વિલિયમ્સન ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. કેન વિલિયમ્સનના સ્થાને ડૈરિલ મિચેલને ટીમમાં આપવામાં આવ્યું છે. જ્યારે ન્યૂઝિલેન્ડની કેપ્ટનશીપ ટોમ લાથમને સોંપવામાં આવી છે.


બીજી તરફ ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રહાણે, ઇશાંત શર્મા, અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે આ ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે અને તેમના સ્થાન પર જયંત યાદવ, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની વાપસી થઇ છે.  બીજી તરફ ન્યૂઝિલેન્ડમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. કેપ્ટન કેન વિલિયમ્સન ઇજાના કારણે ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે અને તેના સ્થાને ડૈરિલ મિચેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ન્યૂઝિલેન્ડની કેપ્ટનશીપ ટોમ લાથમને સોંપવામાં આવી છે.


ટીમ ઇન્ડિયામાં પાંચ વર્ષ બાદ જયંત યાદવની વાપસી થઇ છે. જયંત યાદવે અત્યાર સુધી ભારત તરફથી ચાર ટેસ્ટ રમી છે. જેમાં 11 વિકેટ ઝડપી છે જ્યારે 228 રન ફટકાર્યા છે. તે સિવાય જયંત યાદવે એક વન-ડે પણ રમી છે. નોંધનીય છે કે જયંત યાદવે છેલ્લી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરી 2017ના રોજ ઓસ્ટ્રેલિયા સામે પૂણેમાં રમી હતી. જેમાં તેનું પ્રદર્શન કોઇ ખાસ રહ્યું નહોતું.


બીસીસીઆઇએ ટ્વિટ કરી જાણકારી આપી હતી કે રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, અને રહાણે ઇજાના કારણે બીજી ટેસ્ટમાં રમશે નહીં. નોંધનીય છે કે ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. આ મેચ જીતીને બંન્ને ટીમો સીરિઝ જીતવા માંગશે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે.ઇશાંત શર્માને ડાબા હાથની આંગળી પર ઇજા થઇ હતી. રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથે ઇજા પહોંચી હતી. સ્કેન બાદ જાણવા મળ્યું કે તેના ખભામાં સોજો છે. ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે.