Team India Head Coach: T-20 World Cup બાદ ટીમ ઈન્ડિયાને નવો કોચ મળશે. ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેની વાપસીની પ્રબળ શક્યતા છે. સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી બીસીસીઆઈ અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને ટી-20 વર્લ્ડકપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવા પર મુખ્ય કોચ પદ માટે અરજી કરવાનું કહી શકે છે.
અનિલ કુંબલે ક્યારે હતો ટીમ ઈન્ડિયાનો કોચ
અનિલ કુંબલે 2016-17માં એક વર્ષ માટે ભારતીય ટીમનો કોચ હતો. તે સમયે સચિન તેંડુલકર, લક્ષ્મણ અને ગાંગુલીની અધ્યક્ષતાવળા ક્રિકેટ સલાહકાર સમિતિએ તેની શાસ્ત્રીના સ્થાને નિમણૂક કરી હતી. પરંતુ કેપ્ટન કોહલી સાથે મતભેદના કારણે કુંબલેએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર બાદ રાજીનામું આપ્યું હતું.
કુંબલે સહિત કયો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કોચ પદની રેસમાં છે
અનિલ કુંબલે કોચ બનવા માટે રાજી થશે કે નહીં તેના પર હજુ કંઈ કહી શકાય નહીં. નામ ન જાહેર કરવાની શરત પર બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું, અનિલ કુંબલેને બહાર કાઢવાના પ્રકરણમાં સુધારો કરવાની જરૂર છે. જે રીતે સીઓએ કોહલીના દબાણમાં આવીને તેને હટાવ્યા હતા તે સારું ઉદાહરણ નહોતું. કોહલી અને લક્ષ્મણ કોચ માટે અરજી કરવા પર રાજી થશે કે નહીં તે વાત પર નિર્ભર છે.
હાલ શું કરે છે અનિલ કુંબલે
અનિલ કુંબલે હાલે આઈપીએલ ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સનો કોચ છે. 2017માં અનિલ કુંબલેએ તેના રાજીનામામાં લખ્યું હતું કે, કેપ્ટન વિરાટ કોહલીને તેની કામ કરવાની રીત પસંદ નથી. અનિલ કુંબલેએ ટીમઈન્ડિયાના ફરીથી કોચ બનવા માટે પંજાબ કિગ્સ સાથે છેડો ફાડવો પડશે.
શાસ્ત્રીનો ક્યારે પૂરો થાય છે કાર્યકાળ
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડકપ બાદ ખતમ થઈ રહ્યો છે. બીસીસીઆઈ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ દક્ષિણ આફ્રિકા પ્રવાસ સુધી લંબાવવા માંગતું હતું પરંતુ તેણે ત્યાં સુધી કોચ પદ પર રહેવાનો ઈનકાર કર્યો છે. બીસીસીઆઈને હવે ટી-20 વર્લ્ડકપ બાદ નવા કોચની જરૂર છે.