આ જાહેરાત બાદ કોંગ્રેસ, પાસના નેતાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજ્જુએ સ્પષ્ટતા કરવી પડી છે.
સ્ટેડિયમનું નામ બદલવા અંગે કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે, ફક્ત સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે જ્યારે સમગ્ર પરિસરનું નામ હજી દેશના પ્રથમ ગૃહ પ્રધાનના નામ પર છે. તેમણે કહ્યું, "કેમ્પસનું નામ હજી દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર પટેલના નામ પર છે." ફક્ત સ્ટેડિયમનું નામ બદલાયું છે. આવો જાણીએ કે દેશમાં રાજનેતાઓના નામ પર કેટલા સ્ટેડિયમ આવેલા છે,
પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામ પર દેશમાં 9 ક્રિકેટ સ્ટેડિયમ આવેલા છે. જેમાંથી 8 સ્ટેડિયમ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચુકી છે. નવી દિલ્હી, ચેન્નઇ, કોચિન, ઇંદોર, ગુવાહાટી, મરાગો, પુણે અને ગાજિયાબાદના સ્ટેડિયમ નેહરુના નામ પર છે.
આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામ પર હૈદ્રાબાદમાં ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે. સાથે જ હૈદ્રાબાદ, દેહરાદૂન અને કોચિમાં તેમના નામ પર એરિના આવેલી છે. તો ગુવાહાટી, નવી દિલ્હી અને વિજયવાડામાં ઇન્દિરા ગાંધીના નામ પર ત્રણ એરિના આવેલી છે.
કોંગ્રેસ ઉપરાંત ભાજપના નેતાઓના નામ પર પણ સ્ટેડિયમ છે. જેમાં પૂર્વ વડાપ્રધાન અને ભાજપના કદ્દાવર નેતા અટલ બિહારી વાજપેયીના નામ પર 2 ક્રિકેટ સ્ટેડિયમ આવેલા છે. એક લખનઉમાં અને બીજુ હિમાચલ પ્રદેશના નાદૌનમાં આવેલું છે.
એવી જ રીતે વલસાડમાં સરદાર પટેલના નામ પર સ્ટેડિયમ આવેલું છે. અમદાવાદનું સ્ટેડિયમ પણ તેમના નામ પર હતું. વર્ષ 2019 નવી દિલ્હીમાં આવેલ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ પણ બદલવામાં આવ્યું હતું. તેનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું.
ભારતમાં મોટા ભાગના સ્ટેડિયમ રાજનેતાઓના નામ પર છે પરંતુ એક પણ સ્ટેડિય કોઈ ક્રિકેટરના નામ પર નથી. જોકે કેટલાક સ્ટેડિયમ એવા છે જે ક્રિકેટ પ્રશાસકોના નામ પર રાખામાં આવ્યા છે. જેમાં ચેન્નઇમાં એમએ ચિદંમબરમ સ્ટેડિયમ, બેંગલોરનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ, મુંબઇનું વાનખેડે સ્ટેડિયમ અને મોહાલીનું આઇએસ બિંદ્રા સ્ટેડિયમ.
મુંબઇમાં આવેલું બ્રેબોર્ન સ્ટેડિયમ અને કોલકાતાનું ઐતિહાસિક ઇડન ગાર્ડસ સ્ટેડિયમ એ અંગ્રેજ અધિકારી અને તેની બહેનોના નામ પર રાખવામાં આવ્યા છે.