T20 World Cup 2022: ગઈકાલે પર્થમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારત હારી ગયું હતું. ભારતની આ હાર પછી સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ક્રિકેટ ટીમ અંગે ઘણા મિમ્સ બનાવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત જો દક્ષિણ આફ્રિકા સામેની મેચ જીતી ગયું હોત તો પાકિસ્તાનની સેમી ફાઈનલમાં પહોંચવાની આશા હતી પણ ટીમ ઈન્ડિયાની હાર થતાં હવે પાકિસ્તાનની ટીમની (Pakistan Cricket Team) ટી20 વર્લ્ડ કપમાં આગળ વધવાની તમન્નાઓ પર પાણી ફરી વળ્યું છે.


પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે પોસ્ટ શેર કરીઃ


ભારતના પૂર્વ બેટ્સમેન વસીમ જાફરે રવિવારે ભારત દક્ષિણ આફ્રિકા સામે હારી જતાં પાકિસ્તાનની સેમી ફાઈનલમાં પહોંચવાની આશાઓ અને મુશ્કેલીઓ અંગે એક પોસ્ટ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ આ ટી20 વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી કંઈ ખાસ પ્રભાવ છોડવામાં સફળ થઈ શકી નથી અને અત્યાર સુધી રમેલી 3માંથી 2 મેચોમાં હારી ગઈ છે. હાલ પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડ કપની ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની સ્થિતિમાં આવી ગઈ છે.


આ કારણે પાકિસ્તા વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશેઃ


પાકિસ્તાનની હાલની સ્થિતિ અંગે મજાકીયા અંદાજમાં વસીમ જાફરે ટ્વીટ કરતાં જણાવ્યું કે, "સામાન્ય વાતોથી વિરુદ્ધમાં, જો પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર થઈ જાય છે તો, તેનું કારણ ભારતની દક્ષિણ આફ્રિકા સામેની હાર નહી પરંતુ, એવું એટલા માટે થશે કારણ કે પાકિસ્તાન જિમ્બાબ્વે સામે હારી ગયું હતું."




તમને જણાવી દઈએ કે, ભારત સહિત ગ્રુપ 2ની બાકી ટીમોએ અત્યાર સુધીમાં 3-3 મેચો રમી લીધી છે. હાલ પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર દક્ષિણ આફ્રિકા છે. દ. આફ્રિકાના 5 પોઈન્ટ છે. તો ભારતે 3માંથી 2 મેચો જીતીને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાને 3માંથી 1 મેચ જીતી છે અને બાંગ્લાદેશે ત્રણમાંથી બે મેચો જીતી છે. બીજી તરફ જિમ્બાબ્વેએ એક મેચ હારી છે અને એક મેચ જીતી છે અને એક મેચ અનિર્ણિત રહી હતી. જ્યારે નેધરલેન્ડે પોતાની ત્રણેય મેચો હારી છે.