ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે શનિવારે (18 માર્ચ) ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન કેન વિલિયમ્સન અને હેનરી નિકોલ્સે બેવડી સદી ફટકારી હતી. વિલિયમ્સને તેની કારકિર્દીની છઠ્ઠી અને નિકોલ્સે તેના કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં ચાર વિકેટે 580 રન બનાવી ડિક્લેર કર્યો હતો. દિવસની રમતના અંતે શ્રીલંકાએ બે વિકેટે 26 રન બનાવી લીધા હતા. તે હજુ પણ પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડ કરતા 554 રન પાછળ છે.






વિલિયમ્સને 296 બોલમાં 215 રન બનાવ્યા હતા. તેણે 23 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ હેનરી નિકોલ્સે અણનમ 200 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 78 રનની ઇનિંગ રમી હતી. ટોમ લાથમ 21 અને ડેરેલ મિશેલ 17 રન બનાવીને આઉટ થયા હતા. ટોમ બ્લંડેલ 17 રન બનાવી અણનમ રહ્યો હતો. શ્રીલંકાની વાત કરીએ તો કેપ્ટન દિમુથ કરુણારત્ને 16 રને અને પ્રભાત જયસૂર્યા ચાર રને અણનમ છે. ઓશાદા ફર્નાન્ડો છ રન બનાવીને આઉટ થયો હતો. કુસલ મેન્ડિસ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.


વિલિયમ્સને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી બેવડી સદી ફટકારીને ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સહિત છ બેટ્સમેનોના રેકોર્ડની બરોબરી કરી હતી. બેવડી સદી મામલે તેણે તેંડુલકરની સાથે સાથે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મારવાન અટાપટ્ટુ, ભારતના ભૂતપૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદ, ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન યુનિસ ખાન અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગની બરોબરી કરી હતી. આ તમામ ખેલાડીઓના નામે ટેસ્ટમાં છ બેવડી સદી છે.


વિલિયમ્સને દ્રવિડ અને રૂટને પાછળ છોડી દીધા


દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટ, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને પાછળ છોડીને વિલિયમ્સને તેની છઠ્ઠી બેવડી સદી ફટકારી હતી. આ તમામે પાંચ-પાંચ બેવડી સદી ફટકારી છે. શ્રીલંકાના મહેલા જયવર્દને, ભારતનો વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડના વોલી હેમન્ડ સૌથી વધુ બેવડી સદીઓમાં વિલિયમ્સન કરતા આગળ છે. ત્રણેયના નામે સાત-સાત બેવડી સદી છે. વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ નવ, શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે 11 અને ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનના નામે 13 બેવડી સદી છે.


આ ઇનિંગ દરમિયાન વિલિયમ્સને ટેસ્ટમાં આઠ હજાર રન પૂરા કર્યા હતા.  તેણે 94 મેચની 164 ઇનિંગ્સમાં 8124 રન બનાવ્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પણ પૂરા કર્યા હતા.


વિલિયમ્સને આ મામલે કોહલીને પાછળ છોડી દીધો


ન્યૂઝીલેન્ડે તેની ટેસ્ટ કારકિર્દીની 28મી સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે વિરાટ કોહલીની બરોબરી કરી હતી. કોહલીએ 28 સદી ફટકારી છે. હાલમાં રમતા હોય તેવા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથના નામે સૌથી વધુ ટેસ્ટ સદી છે. તેણે 30 સદી ફટકારી છે. તેના પછી ઈંગ્લેન્ડનો જો રૂટ આવે છે. રૂટે 29 સદી ફટકારી છે. વિલિયમ્સને તેની 28મી ટેસ્ટ સદી પણ 164 ઇનિંગ્સમાં ફટકારી હતી. કોહલીએ 183મી ઇનિંગ્સમાં પોતાની 28મી સદી ફટકારી હતી.