AB de Villiers and Chris Gayle: ઇન્ડિયન પ્રિમિયર લીગની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ તેમની ટીમની જર્સી નંબર-17 અને 333 હંમેશા માટે નિવૃત્ત કરી દીધી છે. એટલે કે હવે RCBનો કોઈ ખેલાડી આ બે નંબરની જર્સી પહેરી શકશે નહીં. આ બંને જર્સી નંબર આરસીબીના બે દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલના છે અને આ બે દિગ્ગજ ખેલાડીઓના સન્માનમાં આરસીબીએ આ બંને જર્સી નંબરને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે.






એબી ડી વિલિયર્સ આરસીબી માટે 17 નંબરની જર્સી પહેરતો હતો, જ્યારે ક્રિસ ગેલ 333 નંબરની જર્સી પહેરીને આરસીબી માટે મેદાનમાં ઉતરતો હતો. આ બંને ખેલાડીઓએ હવે RCBને અલવિદા કહી દીધું છે. આ બંને ખેલાડીઓએ RCB માટે ઘણા રન બનાવ્યા છે. તેમના કારણે ટીમે ઘણી મેચો પણ જીતી છે. આવી સ્થિતિમાં, RCB આ બંને બેટ્સમેનોને તેમના 'હોલ ઓફ ફેમ'માં સામેલ કરવા જઈ રહ્યું છે અને તેથી જ આ બંને દિગ્ગજોના સન્માનમાં તેમના જર્સી નંબર પણ રિટાયર કરવામાં આવશે.


ડી વિલિયર્સ આરસીબી માટે બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે


એબી ડી વિલિયર્સ આરસીબી માટે 11 આઈપીએલ સીઝન રમી ચૂક્યો છે. તેણે આ ફ્રેન્ચાઈઝી માટે 157 મેચમાં 4522 રન બનાવ્યા છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેને 37 અડધી સદી અને બે સદી પણ ફટકારી હતી. આરસીબી માટે તેની બેટિંગ એવરેજ 41.10 હતી અને સ્ટ્રાઈક રેટ 158.33 હતો.






ગેલે આરસીબી માટે સૌથી વધુ સિક્સ ફટકારી છે


ક્રિસ ગેલનો આરસીબી સાથે પણ લાંબો સંબંધ હતો. તેણે સાત સિઝનમાં આ ફ્રેન્ચાઈઝી માટે 91 મેચ રમી અને 43.29ની ઉત્તમ બેટિંગ એવરેજ અને 154.40ની સ્ટ્રાઈક રેટથી 3420 રન બનાવ્યા. ગેલે આ સમયગાળા દરમિયાન આરસીબી માટે 21 અડધી સદી અને 5 સદી ફટકારી હતી. તે આરસીબી માટે સૌથી વધુ સિક્સ (263) ફટકારનાર બેટ્સમેન પણ છે.