IND vs AUS 1st ODI Match Preview: આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. આજની પહેલી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની ગેરહાજરીમાં પ્રથમ વનડેમાં હાર્દિક પડ્યા ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે. વળી, પેટ કમિન્સની ગેરહાજરીમાં કાંગારુ ટીમની કમાન અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી છે. જાણો અહીં પ્રથમ મેચ માટેનો ખાસ પ્રિવ્યૂ....
વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પહેલા પણ 4 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ત્રણ વાર કાંગારુ ટીમે બાજી મારી છે, એટલે કે આ મેદાન પર ટીમ ઇન્ડિયાની સરખામણીમાં કાંગારુ ટીમનો રેકોર્ડ જબરદસ્ત છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ભારતીય મેદાનો પર છેલ્લા 10 મેચોમાં ટક્કર બરાબરની રહી છે, એટલે કે 5 મેચો ભારતે જીતી છે, તો 5 મેચો ઓસ્ટ્રેલિયાના નામે રહી છે. એટલે કહી શકાય છે કે વનડે ફોર્મેટમાં ભારતીય ટીમને એટલો બધો ફાયદો નથી થઇ શક્યો.
ઓસ્ટ્રેલિયાની પાસે વનડે સ્ક્વૉડમાં એકથી એક ચઢિયાતો ખેલાડી છે, અને આ ખેલાડીઓને IPLમાં ભારતીય મેદાનો પર સફેદ બૉલથી રમવાનો સારો અનુભવ છે. આવામાં ઓસ્ટ્રેલિયા આ મેચ માટે થોડી કમજોર દેખાઇ રહી છે. વળી, ભારતીય ટીમમાં પણ વનડે ફોર્મેટમાં દમદાર ખેલાડીઓ છે. શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને મોહમ્મદ સિરાજ પોતાના શાનદાર ફોર્મમાં છે. આવામાં ત્રણેય મેચોની વનડે સીરીઝની આ પહેલી મેચ કોઇપણ ટીમના પક્ષમાં જઇ શકે છે.
કેવી છે વાનખેડેની પીચ ?
વાનખેડેની પીચ સામાન્ય રીતે ફ્લેટ જ રહી છે, એટલે કે અહીં બેટ્સમેનોને સારી મદદ મળે છે. ઓક્ટોબર, 2015 માં આ મેદાન પર દક્ષિણ આફ્રિકાએ 438 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો. જોકે 22 મેચોમાં અહીં માત્ર બે જ વાર 300 નો આંકડો પાર થયો છે. અહીં રમાયેલી 22 વનડે મેચોમાં 10 વાર પછીથી અને 12 વાર પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. સામાન્ય રીતે અહીં શરૂઆતમાં બૉલરો માટે થોડી મદદ મળે છે, પરંતુ ધીમે ધીમે આ પીચ બેટિંગ માટે અનુકુળ મનાય છે.