SA vs PAK Match Highlights: ODI વર્લ્ડ કપ 2023માં, ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા પાકિસ્તાનને આફ્રિકન બોલરોએ 46.4 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટે જીત મેળવી હતી, જેમાં બેટિંગમાં એડન માર્કરામની 91 રનની ઇનિંગ અને બોલિંગમાં તબરેઝ શમ્સીની 4 વિકેટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત ચોથી હાર હતી. મેચમાં બેટિંગ વિભાગમાં પાકિસ્તાન કંઈ ખાસ કરી શક્યું ન હતું. પાકિસ્તાન તરફથી પ્રથમ બેટિંગ કરતા સઈદ શકીલ (52) અને કેપ્ટન બાબર આઝમે (50) અડધી સદીની ઇનિંગ્સ રમી હતી, જે ટીમને કોઈ પણ રીતે મદદ કરી શકી ન હતી. જોકે, પાકિસ્તાને એડન માર્કરામની વિકેટ ગુમાવીને મેચ લગભગ પોતાના પક્ષમાં કરી લીધી હતી. પરંતુ અંતે નવમા નંબરે આવેલા કેશવ મહારાજે ચોગ્ગો ફટકારીને આફ્રિકાને વિજયી બનાવ્યું હતું.
આફ્રિકાએ વિસ્ફોટક શરૂઆત કરી હતી
271 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ વિસ્ફોટક શરૂઆત કરી અને 2 ઓવરમાં 30 રન બનાવી લીધા. ઇનિંગ્સની બીજી ઓવર અને શાહીન આફ્રિદીની પહેલી ઓવરમાં ક્વિન્ટન ડી કોકે 4 ચોગ્ગા ફટકારીને 19 રન બનાવ્યા હતા. જોકે, ચોથી ઓવરના ત્રીજા બોલ પર શાહીને ડિકોક કેચ આઉટ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ડી કોકે 14 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા.
ત્યારબાદ કેપ્ટન ટેમ્બા બાવુમા અને રાસી વાન ડેર ડુસેને બીજી વિકેટ માટે 33 (38 બોલ) રન બનાવ્યા હતા. આ વધતી ભાગીદારીનો અંત વસીમ જુનિયરે કેપ્ટન ટેમ્બા બાવુમા (28)ની વિકેટ લઈને ખતમ કર્યો. ત્યાર બાદ બેટિંગ કરવા આવેલા એઈડન માર્કરમ સાથે રાસી વાન ડેર ડ્યુસેને ત્રીજી વિકેટ માટે 54 રન (54 બોલ) જોડ્યા હતા. 19મી ઓવરના પાંચમા બોલ પર ઉસામા મીરે વેન ડેર ડુસેનને 21 રનના સ્કોર પર પેવેલિયન મોકલીને ભાગીદારીનો અંત લાવ્યો હતો. આ પછી હેનરિક ક્લાસેન 22મી ઓવરમાં 12 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યારપછી ડેવિડ મિલર અને એડન માર્કરમે મળીને પાંચમી વિકેટ માટે 70 રન (69 બોલ) જોડ્યા હતા. શાહીન આફ્રિદીએ ડેવિડ મિલર (29)ને આઉટ કરીને સદી તરફ આગળ વધી રહેલી આ ભાગીદારીનો અંત આણ્યો. આ રીતે આફ્રિકાએ 33.1 ઓવરમાં 206 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમને 37મી ઓવરમાં માર્કો યાનસેનના રૂપમાં છઠ્ઠો ફટકો લાગ્યો હતો, જે 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન (14 બોલ) બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
આ પછી પોતાની સદીની નજીક જઈ રહેલા એડન માર્કરમને ઉસામા મીરે આઉટ કર્યો, જેના પછી આખી મેચ બદલાઈ ગઈ. માર્કરમ 93 બોલમાં 91 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કોએત્ઝી 10 રન અને લુંગી એન્ડિગી 04 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ અંતે કેશવ મહારાજના ચોગ્ગાએ આફ્રિકાને વિજય અપાવ્યો હતો. મહારાજ 7 રન અને શમ્સી 4 રન બનાવીને અણનમ રહ્યા હતા.