ODI World Cup 2023 Semi Final: ભારતીય ટીમ ગુરુવારે 2023 વર્લ્ડ કપની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની હતી, કારણ કે ટીમે મુંબઈમાં શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. આટલી મેચોમાં ભારતની આ વર્લ્ડકપમાં સતત સાતમી જીત છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ એક પણ મેચમાં હારનો સામનો નથી કર્યો. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના ખૂબ જ મોટા મારજિન 302 રન સાથે હરાવ્યું છે. આ દરમિયાન ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શર્મીએ 5 વિકેટ ઝડપી હતી. ભારતે શ્રીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની ટીમને માત્ર 55 રનમાં જ ઓલ આઉટ કરી દીધી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની ત્રિપુટીએ શ્રીલંકાના બેટિંગ ઓર્ડરને ધરાશાયી કર્યો હતો.
શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી
ભારતના 357 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જસપ્રિત બુમરાહે શ્રીલંકાની ઇનિંગ્સના પહેલા જ બોલ પર પથુમ નિશંકાને આઉટ કર્યો હતો. આ પછી દિમુથ કરુણારત્ને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. દિમુથ કરુણારત્ને પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે ત્રીજો શ્રીલંકન ખેલાડી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 2 રન હતો. શ્રીલંકાના 5 ખેલાડી ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકાના 8 બેટ્સમેન ડબલ ફિગરનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા.
ટીમ ઈન્ડિયાએ 357 રન બનાવ્યા હતા
આ પહેલા શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનર શુભમન ગિલે 92 બોલમાં 92 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 94 બોલમાં 88 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય શ્રેયસ અય્યરે 56 બોલમાં 82 રન બનાવ્યા હતા. જોકે. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ પછી વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે 189 રનની મોટી ભાગીદારી થઈ હતી. શ્રીલંકા તરફથી દિલશાન મધુસંકા સૌથી સફળ બોલર રહ્યો હતો. દિલશાન મધુશંકાએ 5 ભારતીય ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા.