Virat Kohli Sourav Ganguly Rahul Dravid Test Debut: ટીમ ઈન્ડિયાએ વિશ્વ ક્રિકેટને ઘણા શાનદાર ખેલાડીઓ આપ્યા છે. એમાંથી કેટલાક ખેલાડીઓ એવા છે જેની સામે કોઈ બીજા ખેલાડીનું ટકવું પણ મુશ્કેલ હોય છે. આવા જ ખેલાડીઓમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું નામ આવે છે. આ ત્રણેય બેટ્સમેનોમાં એક વાત સરખી છે અને આ વાતનું કનેક્શન આજનો દિવસ એટલે કે 20 જૂન છે. આ ત્રણેય દિગ્ગજ ક્રિકેટરોએ આજના દિવસે જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને આ સાથે ક્રિકેટના ઈતિહાસમાં આજનો દિવસ ઐતિહાસિક ગણાય છે.
દ્રવિડ અને ગાંગુલીનું ડેબ્યું ઐતિહાસિક છે. આ બંને ખેલાડીઓએ એક જ મેચમાં ડેબ્યુ કર્યું હતું અને આ મેચ ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયા 1996માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસ માટે ગાંગુલી અને દ્રવિડનો ટીમમાં સમાવેશ કરાયો હતો. ભારતને બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સમાં રમવાની હતી. આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં આ બંને ખેલાડીઓને જગ્યા મળી. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 344 રન બનાવ્યા. જ્યારે ભારતે પહેલી ઈનિંગમાં 429 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગાંગુલીએ ધમાકેદાર પ્રદર્શન કરતાં 131 રન બનાવ્યા હતા. જ્યારે દ્રવિડે 95 રનની યાદગાર ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગ રમી પણ ભારતીય ટીમ બીજી ઈનિંગ ના રમી શકી જેથી આ મેચ ડ્રો રહી હતી.
દ્રવિડનું ઈન્ટરનેશનલ કરિયર શાનદાર રહ્યું હતું. તેમણે 164 ટેસ્ટ મેચોમાં 13,288 રન બનાવ્યા. આ દરમિયાન દ્રવિડે 36 સદી, 63 અડધી સદી ફટકારી હતી. આ સાથે-સાથે દ્રવિડે 5 બેવડી સદી પણ લગાવી છે. ગાંગુલીની વાત કરીએ તો, તેમણે 113 ટેસ્ટ મેચોમાં 7212 રન બનાવ્યા. આ દરમિયાન 16 સદી, 35 અડધી સદી ફટકારી હતી. જ્યારે એક વખત બેવડી સદી પણ ફટકારી હતી. સૌરવ ગાંગુલીએ ટેસ્ટ મેચોમાં બોલિંગ ઉપર પણ હાથ અજમાવ્યો હતો અને 32 વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલીનું કરિયર પણ શાનદાર રહ્યું છે. કોહલીએ વેસ્ટઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ટીમ ઈન્ડિયા અને વેસ્ટઈંડીઝ સામે 20 જૂન 2011ના રોજ રમાયેલી મેચમાં કોહલીને બેટિંગનો મોકો મળ્યો હતો. જો કે, વિરાટ કોહલી પોતાની ડેબ્યુ મેચમાં ખાસ રન ના બનાવી શક્યો અને પહેલી ઈનિંગમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બીજી ઈનિંગમાં કોહલીએ 15 રન બનાવ્યા હતા. પરંતુ ડેબ્યુ મેચ બાદ વિરાટ કોહલીનું ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું અને શક્તિશાળી બેટ્સમેન તરીકે પોતાનું નામ બનાવ્યું છે. કોહલીએ 101 ટેસ્ટ મેચ રમી છે અને 8043 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 7 બેવડી સદી અને 27 સદી લગાવી છે. આ સાથે-સાથે તેમણે 28 અર્ધશતક ફટકાર્યા છે.