Naseem Shah and Javed Miandad: એશિયા કપ 2022માં બુધવારે પાકિસ્તાનના નસીમ શાહે અફઘાનિસ્તાન સામે છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે પાકિસ્તાનની ટીમ પણ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ અફઘાનિસ્તાનની સાથે ભારતીય ટીમની ફાઇનલમાં પહોંચવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આવું જ કંઈક 36 વર્ષ પહેલા પણ થયું હતું જ્યારે જાવેદ મિયાંદાદે આ મેદાન પર સિક્સ મારીને પાકિસ્તાનની ટીમને જીત અપાવી હતી. ત્યારે પણ ભારતની રમત જ બગડી હતી.


ઓસ્ટ્રેલિયા-એશિયા કપ 1986માં શારજાહમાં રમાયો હતો. ભારત અને પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા હતા. ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી. છેલ્લા બોલ પર પાકિસ્તાનને જીતવા માટે 4 રનની જરૂર હતી અને તેની માત્ર એક વિકેટ બાકી હતી. અહીં જાવેદ મિયાંદાદે છેલ્લા બોલે સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી. આ વખતે એશિયા કપ 2022માં પણ પાકિસ્તાનની આવી જ સ્થિતિ હતી. તે શારજાહનું મેદાન હતું અને પાકિસ્તાનની ટીમને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી અને માત્ર એક વિકેટ બાકી હતી. અહીં નસીમ શાહે પ્રથમ બે બોલમાં બે સિક્સર ફટકારીને પાકિસ્તાન ટીમને જીત અપાવી હતી.


નસીમ શાહના આ સિક્સરની સરખામણી હવે જાવેદ મિયાંદાદ સાથે કરવામાં આવી રહી છે. મેચ બાદ ખુદ કેપ્ટન બાબર આઝમે કહ્યું કે નસીમના સિક્સે તેમને જાવેદ મિયાંદાદના સિક્સની યાદ અપાવી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પણ ટ્વીટમાં નસીમની આ સિક્સરની તુલના જાવેદ મિયાંદાદના છેલ્લા બોલના સિક્સર સાથે કરી હતી. પાકિસ્તાની ચાહકો નસીમ શાહને બીજા જાવેદ મિયાંદાદ પણ કહે છે. પ્રતિક્રિયાઓ જુઓ...














આ પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચે રોમાંચની તમામ હદો વટાવી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા માત્ર 129 રન બનાવવા છતાં અફઘાન ટીમે પાકિસ્તાનને જબરદસ્ત ટક્કર આપી હતી. હાલત એવી હતી કે એક સમયે અફઘાનિસ્તાન જીતની ઉંબરે આવી ગયું હતું, પરંતુ નસીમ શાહે છેલ્લી ઓવરમાં બાજી પલટી દીધી હતી.