PAK vs BAN: પાકિસ્તાને ચાર મેચ હાર્યા બાદ જીત મેળવી છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ ત્રીજી જીત છે. પાકિસ્તાને વધુ બે મેચ રમવાની છે. આ જીત છતાં પાકિસ્તાન સેમિફાઇનલ રમી શકે તેવી શક્યતા ઓછી છે. જો કે બાબર આઝમ માટે આ જીત કોઈ મોટી રાહતથી ઓછી નથી. બાંગ્લાદેશે મેચ જીતવા આપેલા 204 રનના લક્ષ્યાંકને પાકિસ્તાને 32.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી ફખર જમાને સર્વાધિક 81 રન બનાવ્યા હતા. તેણે શફિક (68 રન) સાથે પ્રથમ વિકેટ માટે 128 રનની પાર્ટનરશિપ કરી જીતનો પાયો નાંખ્યો હતો. બાબર આઝમે 9 રનનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદ રિઝવાને 26 અને ઈફ્તિખાર અહમદ 17 રન બનાવી અણનમ રહ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ત્રણેય વિકેટ મહેંદી હસન મિરાજે લીધી હતી.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 45.1 ઓવરમાં 204 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયરે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય હરિસ રઉફે 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. ઈફ્તિખાર અહેમદ અને ઓસામા મીરને 1-1 સફળતા મળી.






પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન - અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, શાહીન આફ્રિદી, ઉસામા મીર, મોહમ્મદ વસીમ જુનિયર અને હારીસ રઉફ.


બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન - લિટન દાસ, તંજીદ હસન, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, તૌહીદ હૃદયોય, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શરીફુલ ઈસ્લામ.


હેડ ટુ હેડ રેકોર્ડ


ODI ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી આજની મેચ પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશ કુલ 38 વખત સામસામે આવી ચૂક્યા છે. આ દરમિયાન પાકિસ્તાને 33 મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશે પાંચ મેચમાં અપસેટ સર્જ્યો છે. આ પહેલા બંને ટીમો 2023ના એશિયા કપમાં ટકરાઈ હતી. ત્યારે પાકિસ્તાન સરળતાથી જીતી ગયું હતું. 2019 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મોટી જીત નોંધાવી હતી.