PAK vs NZ: પોતાના તમામ મોટા સ્ટાર ખેલાડીઓ વિના પાકિસ્તાનનો પ્રવાસ ખેડનાર ન્યૂઝીલેન્ડની ટીમે ચોથી ટી-20 જીતીને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની અજેય લીડ મેળવી લીધી છે. ગુરુવારે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે ચાર રને રોમાંચક જીત નોંધાવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ઓપનર ટિમ રોબિન્સનની અડધી સદીની મદદથી સાત વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 179 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં નિષ્ફળ ગયું અને ચાર રનથી મેચ હારી ગયુ હતું. હવે સીરિઝ બચાવવા માટે પાકિસ્તાને 27મી એપ્રિલે રમાનાર અંતિમ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.






લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનને શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો અને બીજી જ ઓવરમાં કેપ્ટન બાબર આઝમ (5) પેવેલિયન પરત ફર્યો હતો. યુવા બેટ્સમેન સઇમ અયુબ (20) અને ઉસ્માન ખાને (16) આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ ઝડપથી આઉટ થઈ ગયા હતા. ફખર ઝમાન એક છેડો સાચવીને રમી રહ્યો હતો. ફખર ઝમાન અને ઈફ્તિખાર અહેમદ વચ્ચે 61 રનની ભાગીદારી થઇ હતી.






ઓલરાઉન્ડર ઈમાદ વસીમ (22*) એ છેલ્લા બોલ સુધી પાકિસ્તાનને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમ ચાર રનથી મેચ હારી ગઇ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી O'Rourkeએ 27 રનમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બેન સીઅર્સે બે વિકેટ લીધી હતી. આ પહેલા ટિમ રોબિન્સન અને ટોમ બ્લંડેલે ન્યૂઝીલેન્ડ માટે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 56 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડના કેપ્ટન માઈકલ બ્રેસવેલ 20 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો.