Year Ender 2022: પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. 3 ઝડપી વિકેટ પડી ગયા બાદ બેટિંગ કરવા આવેલા બાબર આઝમે ઇનિંગ્સને સંભાળી હતી. આ સદી સાથે બાબર 2022માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે આ મામલે ઈંગ્લિશ બેટ્સમેન જો રૂટને પાછળ છોડી દીધો છે. બાબર આઝમ 126 રન બનાવી હાલ રમતમાં છે. જેમાં તેણે 11 ફોર અને એક સિક્સ ફટકારી છે. 



આ વર્ષે પણ ઈન્ટરનેશનલમાં બાબરનો દબદબો ચાલુ રહ્યો હતો


બાબર આ વર્ષે માત્ર ટેસ્ટમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 44 મેચોની 51 ઇનિંગ્સમાં 55.21ની એવરેજથી 2540 રન બનાવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેના બેટમાંથી કુલ 8 સદી અને 17 અડધી સદી નીકળી છે. તે જ સમયે, ટેસ્ટ ક્રિકેટમાં તેણે અત્યાર સુધી 9 મેચની 16 ઇનિંગ્સમાં 74.26ની એવરેજથી 1114 રન બનાવ્યા છે. જેમાં તેણે આ વર્ષે 4 સદી અને 7 અડધી સદી ફટકારી છે.


મેચ સ્થિતિ અત્યાર સુધી


ટોસ જીત્યા બાદ પાકિસ્તાનની ટીમ બેટિંગ કરવા ઉતરી, શરૂઆતમાં થોડી ગડમથલ થઈ હતી. ટીમે પ્રથમ ત્રણ વિકેટ માત્ર 48 રનમાં ગુમાવી દીધી હતી. જેમાં શાન મસૂદે 3, અબ્દુલ્લા શફીકે 7 અને ઇમામ-ઉલ-હકે 24 રન બનાવ્યા હતા. આ પછી ચોથા નંબર પર આવીને બાબર આઝમે ઇનિંગ સંભાળી હતી. ત્યારબાદ ટીમે 110 રનના સ્કોર પર સઈદ શકીલ (22)ના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. હાલમાં બાબર આઝમ અને સરફરાઝ અહેમદ પીચ પર હાજર છે.


આ સાથે જ કિવિ બોલરોમાં માઈકલ બ્રેસવેલે અત્યાર સુધીમાં 2 વિકેટ ઝડપી છે. આ સિવાય કેપ્ટન ટિમ સાઉથી અને એજાઝ પટેલે પણ અત્યાર સુધીમાં 1-1 વિકેટ પોતાના નામે કરી છે. 


બાબર આઝમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરીઝમાં ત્રણ ફિફ્ટી અને એક સદી બનાવી હતી. બાબર આઝમે જોરુટને પાછળ છોડી દિધો છે.