લાહોરઃ પાકિસ્તાનના ક્રિકેટર ઉમર અકમલ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના આરોપી ઉમરને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોમવારે આ સજા સંભળાવી હતી. ઉમરને પીસીબીની અનુશાસનાત્મક પેનલના જસ્ટિસ (રિટાયર્ડ) ફઝલ-એ-મારી ચૌહાને સજા સંભળાવી હતી.

ઉમર અકમલ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો અને આ મામલે કલમ 2.4.4ના ઉલ્લંઘન બદલ તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી. ઉમર અકમલને પાકિસ્તાન સુપર લીગ શરૂ થવાના એક દિવસ પહેલા તેમાં હિસ્સો લેતા અટકાવી દેવાયો હતો. અકમલ પર સટ્ટોડિયાને મળવાનો અને મેચ ફિક્સ કરવા વાતચીત કરી હોવાનો આરોપ લાગ્યો છે.


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ઉમર અકમલ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને લઈ તેને ભાઈ કામરાન અકમલ ઘણો હેરાન છે. તેણે કહ્યું, ઉમર અકમલને આપવામાં આવેલી સજાથી ઘણો હેરાન છું. 3 વર્ષનો પ્રતિબંધ ઘણો કઠોર ફેંસલો છે. આ પ્રતિબંધ સામે અપીલ કરીશું. અન્ય ખેલાડીઓને ઓછા સમય માટે અને ઉમર અકમલને આટલા લાંબા સમય માટે સજા આપી તે સમજવું મુશ્કેલ છે.

ઉમર અકમલને વિવાદ સાથે જૂનો નાતો છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ફિટનેસ ટેસ્ટ દરમિયાન ખરાબ વર્તનને લઈ ચર્ચામાં આવ્યો હતો. 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ ફિટનેસના કારણે ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

તેણે પાકિસ્તાન તરફથી 16 ટેસ્ટ મેચ, 121 વન ડે અને 84 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં ટેસ્ટમાં 1003 રન, વન ડેમાં 3194 રન અને ટી-20માં 1690 રન બનાવ્યા છે.