કરાચીઃ કોરોના વાયરસના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી સ્થગિત કરી દેવામાં આવી છે. ક્રિકેટના મેદાન પર એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો હંમેશા રોચક હોય છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO વસીમ ખાને ભારપૂર્વક કહ્યું કે, એશિયા કપ ચાલુ વર્ષના અંતે શ્રીલંકા કે UAEમાં રમાશે. ખાને ઈન્ડિયન પ્રીમિયર લીગના કારણે આ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી શકે તેવી થઈ રહેલી અટકળોને ફગાવી દીધી હતી.


કરાચીમાં એક વીડિયો કોન્ફરન્સમાં તેમણે સ્થાનિક મીડિયાને કહ્યું, પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડથી 2 સપ્ટેમ્બરે પરત ફરશે અને આ સ્થિતિમાં ટૂર્નામેન્ટનું આયોજન સપ્ટેમ્બર એન્ડ કે ઓક્ટોબરમાં થઈ શકે છે. કેટલીક ચીજો માત્ર સમય સાથે સ્પષ્ટ થશે.


તેમણે જણાવ્યું, અમને એશિયા કપ રમાવાની આશા છે. કારણકે શ્રીલંકામાં કોરોના વાયરસના કેસ બહુ ઓછા છે. જો તેઓ ટુર્નામેન્ટ માટે તૈયાર નહીં થાય તો UAE પણ તૈયાર છે. ખાને કહ્યું કે, આયોજનના મૂળ યજમાન પાકિસ્તાને શ્રીલંકાને આગામી પ્રાદેશિક કાર્યક્રમના બદલે એશિયા કપ આયોજન કરવાની સહમતિ આપી હતી.

ખાને પુષ્ટિ કરી કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્જ ટી-20 વર્લ્ડકપનું આયોજન નહીં થાય તો ઓક્ટોબર-નવેમ્બરમાં ક્રિકેટ સીરિઝ રમવાના વિકલ્પો પર કામ કરી રહી છે. અમારે ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાનું છે અને આ પહેલા ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે રમવાનું છે. દક્ષિણ આફ્રિકા બે કે ત્રણ ટેસ્ટ અથવા કેટલીક ટી-20 માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવા તૈયાર છે.