Umar Gul Saeed Ajmal PCB: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ 2023માં હાર બાદ ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. આ સંબંધમાં કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પીસીબીએ ઝડપી બોલર ઉમર ગુલ અને સ્પિનર સઈદ અજમલને બોલિંગ કોચની જવાબદારી સોંપી છે. ગુલ અને અજમલે પાકિસ્તાન માટે સારૂ પ્રદર્શન કર્યું છે અને કોચિંગની બાબતમાં પણ શાનદાર છે. અજમલને સ્પિન અને ગુલને ફાસ્ટ બોલિંગનો કોચ બનાવવામાં આવ્યો છે.
ઉમર ગુલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોચની જવાબદારી નિભાવવાની શરૂઆત કરી હતી. તેને પાકિસ્તાન સુપર લીગ 2021 માટે ક્વેટા ગ્લેડીયેટર્સ દ્વારા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેણે 2022માં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે બોલિંગ કોચની ભૂમિકા ભજવી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ તરીકે પણ કામ કર્યું છે. તેને અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણીની જવાબદારી સોંપવામાં આવી હતી.
સઈદ અજમલની વાત કરીએ તો તે વન-ડે ફોર્મેટમાં નંબર 1 બોલર રહ્યો છે. તેણે ઈસ્લામાબાદ યુનાઈટેડ માટે બોલિંગ કોચ તરીકે સેવા આપી છે. તેણે 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ત્યાર બાદ જ્યારે પણ તેને તક મળી ત્યારે તે કોચની ભૂમિકા નિભાવી રહ્યો છે.
અજમલ અને ગુલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14મી ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની જવાબદારી સંભાળશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સીરિઝ પણ રમાશે.
નોંધનીય છે કે ઉમર ગુલે પાકિસ્તાન માટે 47 ટેસ્ટ મેચમાં 163 વિકેટ લીધી હતી. તેણે 130 વન-ડે મેચમાં 179 વિકેટ લીધી છે. આ સાથે તેણે 60 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 85 વિકેટ ઝડપી હતી. સઈદ અજમલની વાત કરીએ તો તેણે 35 ટેસ્ટ મેચમાં 178 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે 113 વન-ડે મેચમાં 184 વિકેટ ઝડપી હતી. સઈદે 64 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 85 વિકેટ લીધી છે.