નવી દિલ્હી: ભારતમાં આ વર્ષે ટી20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. ઓક્ટોબર- નવેમ્બરમાં રમાનારી આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના ક્રિકેટરોને ભારતે વીઝા આપવાનો નિર્ણય કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે પાકિસ્તાનના ખેલાડીઓને ભારતના વીઝા આપવામાં આવ્યા નહોતા. પરંતુ હવે ટી20 વર્લ્ડ કપ  (T20 World Cup 2021)માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામેલ થશે તે નક્કી જ છે.  એવામાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પર ટક્કર જામશે. 


પાકિસ્તાન ક્રિકેટરોને (Pakistan Team) ભારતમાં ઓક્ટોબરમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે વીઝા મળશે. ભારતીય ક્રિકેટ બોર્ડની એપેક્સ માકાઉન્સિલને બોર્ડ સચિવ જય શાહે સરકાર તરફથી ખાતરી મેળવ્યા બાદ આ માહિતી આપી હતી. જય શાહે શુક્રવારે મળેલી મીટિંગમાં વીડિયો કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.


જય શાહે એ પણ જણાવ્યું કે, ટી20 વર્લ્ડ કપ ભારતમાં નવ સ્થળે રમાશે. તેની સાથે જ એ પણ જાણકારી સામે આવી છે કે, ટી20 વર્લ્ડકપની ફાઈનલનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.  બોર્ડના જણાવ્યા પ્રમાણે, સરકાર પાસેથી પાકિસ્તાની ખેલાડીઓને વીઝાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ પ્રશંસકો વિશે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 


આ અગાઉ પીસીબીના વડાએ પાકિસ્તાન ખેલાડીઓના વિઝા ન મળવાની સ્થિતિમાં ટી -20 વર્લ્ડ કપ ભારતની જગ્યાએ યુએઈમાં યોજવાની માંગ કરી હતી.


આ નવ જગ્યાએ રમાશે મેચ 


વર્લ્ડ કપ માટે 9 જગ્યા નક્કી કરવામાં આવી છે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ સિવાય દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ધર્મશાલા, કોલકાતા અને લખનઉ સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


 


ભારત વિરુદ્ધ ભારતમાં જ દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે પાકિસ્તાની ટીમ છેલ્લીવાર 2012-13માં આવી હતી. ત્યારે પાકિસ્તાને 3 વન-ડે મેચની સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી. જો કે, બંને ટીમો આઇસીસી ટૂર્નામેન્ટોમાં એકબીજા સામે રમવાનું ચાલુ રાખ્યું છે.