લાહોરઃ કોરોના વાયરસના કારણે સ્પોર્ટ્સ ગતિવિધિ બંધ છે. આ સ્થિતિમાં ક્રિકેટરો તેમના ફેન્સ સાથે જોડાયેલા રહેવા સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. આ કડીમાં પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસુફે પણ ટ્વિટર પર સવાલ-જવાબ સેશન રાખ્યું હતું. જેમાં તેણે આપેલા જવાબથી ભારતના ક્રિકેટ પ્રેમીએ ખુશ થઈ ગયા હતા.

ફેન્સે પાંચ અલગ-અલગ ખેલાડીઓના નામ આપીને તેમાંથી નંબર એક પસંદ કરવા કહ્યું હતું. ફેન્સે પૂછ્યું કે, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા, બ્રાયન લારા, જૈક કાલિસ અને સચિન તેંડુલકરમાંથી નંબર વન કોણ છે. જેનો જવાબ આપતાં મોહમ્મદ યુસુફે સચિન તેંડુલકરને નંબર 1, બ્રાયન લારાને નંબર 2, રિકી પોન્ટિંગને નંબર 3 પર રાખ્યા હતા.


આ દરમિયાન એક ફેને તેમને વર્તમાન સમયના 'ફેબ ફોર' અંગે પૂછ્યું હતું. જેનો જવાબ આપતાં પાકિસ્તાની દિગ્ગજ મોહમ્મદ યુસુફે વિરાટ કોહલી, બાબર આઝમ, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસનના નામ લીધા હતા.



અન્ય એક ફેન્સે પૂછ્યું કે, વિરાટ કોહલી અંગે એક શબ્દમાં કઈંક કહો. આ સવાલનો જવાબ આપતાં કહ્યું- હાલનો નંબર 1.... મહાન ખેલાડી. થોડા સમય પહેલા પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન ઝહીર અબ્બાસે પણ વિરાટ કોહલીને હાલના સમયનો સૌથી શાનદાર ખેલાડી ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, ટીમ ઈન્ડિયા હાલ વધારે ક્રિકેટ રમે છે. ટોપ ખેલાડી કોહલી લગભગ દરેક મેચનો હિસ્સો હોય છે.