ગંભીરે કહ્યું, રોહિતે જ્યારે 2007માં ડેબ્યૂ કર્યુ ત્યારે તે મિડલ ઓર્ડરમાં આવતો હતો અને તેના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ હતો. ધોનીએ તે બાદ રોહિતને 2013માં ઓપનર તરીકે મોકલવાનો શરૂ કર્યો. રોહિત શર્મા આજે જ્યાં છે તેનું કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. જ્યાં સુધી તમને કેપ્ટનનું સમર્થન મળતું નથી ત્યાં સુધી બધુ બેકાર છે. તમામ બાબત કેપ્ટનના હાથમાં હોય છે.
ધોનીએ જે રીતે રોહિતનો સાથ આપ્યો, મને નથી લાગતું કે તેણે કોઈ ખેલાડીનું આ રીતે સમર્થન કર્યુ હશે તેમ ગંભીરે જણાવ્યું હતું. આ પહેલા ગંભીરે રોહિતને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો હતો.
રોહિત શર્માએ 2013માં ઓપનર તરીકેની ભૂમિકામાં આવતા પહેલા માત્ર બે સદી જ ફટકારી હતી. પરંતુ છેલ્લા 7 વર્ષમાં રોહિત શર્મા વન ડે ક્રિકેટમાં ઓપનર તરીકે 27 સદી ફટકારી ચુક્યો છે. ટી-20 ક્રિકેટમાં રોહિત શર્માના નામે સૌથી વધારે ચાર સદી છે. ગત વર્ષે ટેસ્ટમાં ઓપનિંગની જવાબદારી મળ્યા બાદ રોહિત શર્માએ પાંચ મેચમાં ત્રણ સદી ફટકારી છે, જેમાં એક બેવડી સદી પણ સામેલ છે.