World Cup 2023 Semi Final Chances For Pakistan:  વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ન્યૂઝીલેન્ડની ટીમને 21 રને હરાવી હતી. પાકિસ્તાન માટે વર્લ્ડ કપ 2023ની  સેમીફાઈનલમાં પહોંચવું આસાન થઈ ગયું છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન માટે  કરો અથવા મરો મેચ હતી, જેમાં પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાન 155.56ના સ્ટ્રાઈક રેટથી અણનમ 126 રન બનાવીને હીરો બન્યો હતો. તેણે ખૂબ જ શાનદાર ઈનિંગ રમી હતી.    


ફખરે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 11 લાંબી સિક્સર ફટકારી હતી. આ દરમિયાન કેપ્ટન બાબર આઝમે તેને સાથ આપ્યો અને 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66* રન બનાવ્યા અને પોતાની ટીમને સેમિફાઇનલની રેસમાં જાળવી રાખી. આ જીત બાદ પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ અને +0.036ના નેટ રન રેટ સાથે પાંચમા સ્થાને છે. ચાલો અહીંથી જાણીએ કે પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે કયા સંભવિત સમીકરણો છે.


સૌથી પહેલા પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની આગામી મેચ જીતવી પડશે, ત્યારબાદ બાબર સેનાના 10 પોઈન્ટ થઈ જશે.


પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરની ન્યુઝીલેન્ડને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડશે અને છઠ્ઠા નંબરના અફઘાનિસ્તાનને આગામી બે મેચમાં હારનો સામનો કરવો પડશે, ત્યારબાદ પાકિસ્તાનનું સેમીફાઈનલ રમવાનું નિશ્ચિત થઈ જશે.


જો પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામેની આગામી મેચ હારી જાય તો ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમોએ આગામી તમામ મેચો એટલી નબળી નેટ રન રેટ સાથે હારી જવી જોઈએ કે તેમનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા ઓછો થઈ જાય. કારણ કે હાલમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 8-8 પોઈન્ટ છે.


અફઘાનિસ્તાનને કોઈપણ ભોગે એક મેચ હારવી પડશે. જો અફઘાનિસ્તાનની ટીમ બંને મેચ જીતી જાય છે તો તે પોઈન્ટ્સમાં પાકિસ્તાન કરતા આગળ થઈ જશે, કારણ કે પાકિસ્તાને 8માંથી 4 મેચ જીતી છે અને અફઘાનિસ્તાને 7 મેચમાંથી 4માં જીત મેળવી છે.


પાકિસ્તાને આગામી મેચ જીતવી જોઈએ. અને જો ન્યૂઝીલેન્ડ તેની આગામી મેચ જીતે છે, તો તે મેચ ખૂબ જ નજીકથી જીતે, જેના કારણે પાકિસ્તાનનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા સારો રહેશે. કારણ કે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે 8માંથી 4-4 મેચ જીતી છે અને હાલમાં કિવી ટીમનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા સારો છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial