Pakistan semifinal scenario 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં યજમાન પાકિસ્તાન માટે અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે અને પોતાની પ્રથમ બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુઝીલેન્ડ સામે 60 રનની કારમી હાર બાદ ભારત સામે પણ 6 વિકેટે પરાજય મળતા પાકિસ્તાન માટે સેમીફાઈનલની સફર અત્યંત કઠિન બની ગઈ છે. તેમ છતાં, હજુ પણ પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવાની ઝાંખી આશા બાકી છે, જેના માટે કેટલાક જટિલ સમીકરણો સમજવા જરૂરી છે.
હાલમાં પાકિસ્તાન ટીમ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. બે મેચ રમીને બંનેમાં પરાજય થતા તેમનો નેટ રન રેટ -1.087 સુધી પહોંચી ગયો છે. હવે પાકિસ્તાન માટે આગળ વધવાનો માર્ગ માત્ર બાંગ્લાદેશ સામેની 27 ફેબ્રુઆરીએ રમાનારી મેચ પર નિર્ભર છે, અને તેમને નસીબના સાથની પણ જરૂર પડશે. સેમીફાઈનલમાં ક્વોલિફાય થવા માટે પાકિસ્તાનને ત્રણ મુખ્ય શરતો પૂરી કરવી પડશે:
પાકિસ્તાન માટે સેમીફાઈનલનું ગણિત
બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડને હરાવે: 24 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ છે. પાકિસ્તાને પ્રાર્થના કરવી પડશે કે બાંગ્લાદેશ આ મેચમાં ન્યુઝીલેન્ડને પરાજય આપે.
બાંગ્લાદેશ સામે મોટી જીત: પાકિસ્તાની ટીમે 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચમાં માત્ર જીતવું જ નહીં, પરંતુ મોટા અંતરથી જીત નોંધાવવી પડશે. જેથી તેમનો નેટ રન રેટ સુધરી શકે અને અન્ય ટીમો કરતા વધુ સારો બની શકે.
ભારત ન્યુઝીલેન્ડને હરાવે: 2 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં પાકિસ્તાને ભારતીય ટીમની જીત માટે દુઆ કરવી પડશે. જો ભારત ન્યુઝીલેન્ડને હરાવે તો પાકિસ્તાન માટે આગળ વધવાની શક્યતાઓ વધી શકે છે.
જો ઉપરોક્ત તમામ ત્રણ શરતો પૂરી થાય, તો ગ્રુપ A માંથી ભારતીય ટીમ ત્રણ મેચ જીતીને સેમીફાઈનલમાં સ્થાન પાક્કું કરશે. જ્યારે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ ત્રણેય ટીમો એક-એક મેચ જીતશે અને તેમના પોઈન્ટ સમાન (બે-બે પોઈન્ટ) થશે. આવી સ્થિતિમાં, જો પાકિસ્તાન બાંગ્લાદેશ સામે મોટા માર્જિનથી જીતશે, તો તેમનો નેટ રન રેટ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ કરતા સારો રહેશે. જેના આધારે પાકિસ્તાન સેમીફાઈનલમાં સ્થાન મેળવી શકે છે.
આ પણ વાંચો..
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો પાકિસ્તાન પર 6 વિકેટે વિજય, આ ત્રણ ખેલાડીઓ રહ્યા જીતના હીરો