અમદાવાદઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલે 35 વર્ષની વયે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. 2018માં અંતિમ વખત ટીમ ઈન્ડિયા માટે રમનારો પાર્થિવ પટેલ હવે ક્રિકેટના કોઇપણ ફોર્મટમાં રમતો નજરે નહીં પડે. વર્ષ 2002મા ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે માત્ર 17 વર્ષની વયે તેણે ટીમ ઈન્ડિયા  તરફથી ડેબ્યૂ કર્યુ હતું. ચાલુ વર્ષે તે આઈપીએલમાં આરસીબીનો હિસ્સો હતો, પરંતુ એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો.

પાર્થિવે ટ્વિટર પર સંન્યાસની જાહેરાત કરી છે. તેણે લખ્યું, હું આજે મારા 18 વર્ષના લાંબા ક્રિકેટ કરિયરને અલવિદા કહી રહ્યો છું. બીસીસઆઈએ મારા પર ભરોસો મુકીને માત્ર 17 વર્ષની વયે જ ટીમ ઈન્ડિયા માટે રમવાનો મોકો આપ્યો હતો. બીસીસીઆઈએ જે રીતે મને સાથ આપ્યો તે બદલ હું આભારી રહીશ.

આ ઉપરાંત તે જે કેપ્ટનોના નેતૃત્વમાં રમ્યો હતો તે બધાનો આભાર માન્યો હતો. સૌરવ ગાંગુલીનો ખાસ આભાર માનતાં તેણે લખ્યું, દાદાનો હું હંમેશા આભારી રહીશ. એક કેપ્ટન તરીકે તેમણે હંમેશા મારો સાથ આપ્યો અને તેમની સાથે રમવું મારા માટે સૌભાગ્યની વાત રહી.



પાર્થિવ પટેલે 8 ઓગસ્ટ, 2002ના રોજ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ, 4 જાન્યુઆ 2002ના રોજ ન્યૂઝીલેન્ડ સામે વન ડે ડેબ્યૂ અને 4 જૂન, 2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 ડેબ્યૂ કર્યુ હતું. જાન્યુઆરી 2018મા તે સાઉથ આફ્રિકા સામે અંતિમ ટેસ્ટ અને ફેબ્રુઆરી 2012માં ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો.

પાર્થિવે 25 ટેસ્ટની 38 ઈનિંગમાં 8 વખત નોટ આઉટ રહીને 934 રન બનાવ્યા છે. જેમાં તેણે 6 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 71 રન  છે. 38 વન ડેની 34 ઈનિંગમાં તેણે 4 અડધી સાથે 736 રન ફટાકાર્યા છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 95 રન છે. જ્યારે 2 ટી20માં 112.5ના સ્ટ્રાઇક રેટથી 36 રન બનાવ્યા છે. આઈપીએલની 139 મેચમાં તેણે 120.8ના સ્ટ્રાઇક રેટથી 2848 રન બનાવ્યા છે. આઈપીએલમાં પાર્થિવે 13 અડધી સદી મારી છે અને શ્રેષ્ઠ સ્કોર 81 રન છે.