ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કેપ્ટન વિરાટ કોહલીના અંતિમ ત્રણ ટેસ્ટ મેચમાં ભાગ ન લેવાથી ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન વાઇસ કેપ્ટન અંજિક્ય રહાણેના હાથમાં હશે. પરંતુ દિગ્ગજ ખેલાડી ઇરફાન પઠાણનું માનવું છે કે, વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમ ઇન્ડિાયની આગેવાની કરવી જોઈએ.


પઠાણે સ્વીકાર્યું કે વિરાટ કોહલી ન હોવાથી સીરિઝ પર વધારે અસર પડશે. પઠાણે કહ્યું, “વિરાટ કોહલીના ન હોવાથી ટીમ પર વધારે અસર પડશે. તમારે તેના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. આપણે ક્રિકેટ બહારના જીવનને સ્વીકારવું જોઈએ, પરિવાર પણ ઘણો મહત્ત્વનો છે.”

પઠાણે કહ્યું કે, વિરાટની જગ્યા ભરવી મુશ્કેલ છે. તેમણે કહ્યું, “મેદાન પર તેનાથી ચોક્કસ મોટી ખોટ વર્તાશે અને કોઈ અન્ય માટે તેનું સ્થાન લેવું મુશ્કેલ હશે. આટલા વર્ષો સુધી તેણે જેવું પ્રદર્શન કર્યું અને તે પણ દરેક પરિસ્થિતિમાં.”

રોહિત શર્મા પાસે છે વધારે અનુભવ

પઠાણનું વ્યક્તિગત માનવું છે કે કોહલીની ગેહરાજરીમાં રોહિતે ટીમની કેપ્ટનશિપ કરવી જોઈએ, જોકે રહાણેને હાલમાં વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતે મુંબઈ ઇન્ડિયન્સની આગેવાની કરતાં ટીમને અનેક ખીતાબ જીતાડ્યા છે અને સાથે જ ટ્રોફી અને એશિયા કપમાં ભારતને બે મોટી ટ્રોફી અપાવી છે. તેણે કહ્યું, “રહાણે વિરૂદ્ધ કંઈ નથી પરંતુ રોહિતે કેપ્ટનશિપ કરવી જોઈએ. તે સારો કેપ્ટન છે અને તે સાબિત કરી ચૂક્યો છે અને તેની પાસે જરૂરી અનુભવ પણ છે.”