Ramiz Raja: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ રમીઝ રાજા (PCB chairman Ramiz Raja) ઘણીવાર પોતાના તીખાં નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એશિયા કપ 2022ની ફાઈનલ મેચ બાદ પણ રમીઝ રઝાએ કંઈક આવી જ હરકત કરી હતી, જેના કારણે તે ફરી ચર્ચામાં આવી ગયા છે. તેમની આ હરકતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
રમીઝ રાજા એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન હારી ગયા બાદ દુબઈ સ્ટેડિયમની બહાર કેટલાક પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે એક ભારતીય પત્રકારે તેમને પ્રશ્ન પૂછ્યો તો તેઓ ચોંક્યા હતા અને ગુસ્સે થઈ ગયા હતા.
આવો ચાલ્યો સવાલ-જવાબનો દૌરઃ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રઝાને (Ramiz Raja) ભારતીય પત્રકારે પૂછ્યું કે, 'પાકિસ્તાનના લોકો ખૂબ જ નાખુશ છે, તેમના માટે કોઈ સંદેશ?' રમીઝ રાજાએ કહ્યું, 'જુઓ, તમે ભારતના જ હશો. તમારા લોકો ખૂબ ખુશ હશે. પત્રકારે કહ્યું, 'અમે ખુશ નથી. શું તમે મારા ચહેરા પર ખુશી જુઓ છો? પછી રમીઝ બોલ્યા કે, 'તો પછી તમે કયા લોકોની વાત કરો છો?' પત્રકારે જવાબ આપ્યો કે, 'મેં પાકિસ્તાનના લોકોને રડતા જોયા છે. શું હું ખોટું બોલી રહ્યો છું રમીઝ ભાઈ?' રમીઝે કહ્યું, 'તમે લોકોને જર્નલાઇઝ કરી રહ્યા છો.' એમ કહીને રમીઝ રાજાએ ભારતીય પત્રકારના હાથમાં રહેલો મોબાઈલ દૂર કરીને આગળ વધી ગયા હતા.
શ્રીલંકાનો 23 રને વિજય થયો હતો
એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભાનુકા રાજપક્ષે (71) અને વાનિન્દુ હસરંગા (36)ની શાનદાર ઇનિંગ્સને કારણે 170 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ માત્ર 147 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ રિઝવાને 55 રનની ઇનિંગ રમી હતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. આ સાથે શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપ જીતી લીધો હતો.